Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

ઇંડોનેશિયામાં સક્રિય જ્વાળામુખીના મુખમાં મહિલા પડી જતા કમકમાટીભર્યું મોત

નવી દિલ્હી: પૂર્વ જાવાના ઈજેન જ્વાળામુખીમાંથી નીકળતી ભૂરી ધૂમ્રસેરો જોવા માટે દર વર્ષે સેંકડો પર્યટકો ત્યાં ચાલે છે. જ્વાળામુખીમાં રહેલા સલ્ફર ફોસ્ફરસ અને આયોડીને લીધે ભૂરી ધૂમ્રસેર બહાર આવે છે. તે જોવા માટે ૩૧ વર્ષીય ચાઈનીઝ યુવતી બીહોંગ તેના ૩૨ વર્ષના પતિ ઝાંગ યોંગ સાથે ગઈ હતી. તેઓ બંને એક 'ગાઈડેડ-ટૂર' દ્વારા વિસ્તારનું અદભુત નૈસર્ગિક સૌંદર્ય જ્વાળામુખીમાંથી નીકળતી ભૂરી ધૂમ્રસેર જોવા ગયા હતા. ત્યાં તે યુવતીને તે જ્વાળામુખીની ધૂમ્રસેર પાશ્વાદભૂમિકામાં રહે તેવી રીતે ફોટો પડાવવાની ઈચ્છા થઈ. તેનો એક ફોટો તો તેના પતિએ પાડયો પરંતુ ધૂમ્રસેર બરોબર દેખાતા તેણે બીજો ફોટોગ્રાફ પાડવા આગ્રહ રાખ્યો. તે પોતે જ્વાળામુખીના મુખ તરફ પાછા પગે ઉપર જતી ગઈ છેક મુખ સુધી પહોંચી ત્યાં તેનું વસ્ત્ર પગમાં ભરાયું તેણે સમતુલન ગુમાવી દીધું અને સીધી જ્વાળામુખીના મુખમાં જઈ પડી. માહિતી આપતા દૂરના ગાઈડે જણાવ્યું કે દુર્ઘટના પછી સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી ગઈ અને તે યુવતીના મૃતદેહને બહાર કાઢી. બીજા ટાપુ ઉપર લઈ જવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સહજ અને અકસ્માત તરીકે નોંધી છે.

(7:30 pm IST)