Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ચૂંટણી પ્રચારમાં કી-ચેઇનની વહેંચણી દરમ્યાન કારની ચાવી જ દાનમાં અપાઈ ગઈ

ન્યુયોર્ક, તા.૨૪: દક્ષિણ અમેરિકાના દેશ પેરુની સંસદની ચૂંટણી માટે પ્રચારના ભાગરૂપે જોવિનો હુએર્તા નામના એક ઉમેદવારે કી-ચેઇન્સની વહેંચણી કરી હતી. હુઆનુકો જિલ્લાની બેઠકની ચૂંટણી માટેની એ વહેંચણી દરમ્યાન જોવિનોએ તેની કારની ચાવી કોઈક વ્યકિતને આપી દીધી હતી. હુએર્તાએ જેને કારની ચાવી મળી હોય તેણે એ ચાવી પિક-અપ ટ્રકમાં પહોંચાડવાનો અનુરોધ કર્યો હતો.

જેની કારની ચાવી ખોવાઈ ગઈ હોય એવી પહેલી વ્યકિત હુએર્તા નથી. એ ચાવી જેને મળી હોય તેને પાછી પહોંચાડવાનો અનુરોધ કરનારા પણ હુએર્તા પ્રથમ વ્યકિત નહોતા, પરંતુ તેમણે ચાવી ગુમાવી કેવી રીતે એ ઇતિહાસમાં નોંધવા જેવી ઘટના છે.

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર વાઇરલ વિડિયોમાં જોવિનો હુએર્તાએ તેના ટેકદારોને કહ્યું હતું, 'સવારે હું અલમેડાના મેળાવડામાં પ્રચાર માટે ગયો ત્યારે લોકોને 'વર્મોસ પેરુ' નામની કી-ચેઇન્સ વહેંચતી વખતે આકસ્મિક રીતે મારી કારની ચાવી કોઈકને અપાઈ ગઈ છે. કારની ચાવી ખોવાઈ ગઈ હોવાનું ધ્યાનમાં આવ્યું ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. જેના હાથમાં ચાવી ગઈ એ માણસ એને બનાવટી ચાવી સમજતો હતો. કારની ચાવી પાછી આપવા કોઈ ન આવ્યું ત્યારે હુએર્તોએ સોશ્યલ મીડિયા દ્વારા પક્ષના કાર્યકરોને અનુરોધ કર્યો હતો.

હુએર્તોએ વિડિયોમાં કહ્યું કે 'પ્લીઝ કારની ચાવી શોધવામાં મદદ કરો અને ચાવી મને મળે એવી જોગવાઈ કરો, કારણકે એના વગર કાર નહીં ચાલે અને અમે આગળ ચૂંટણીપ્રચાર નહીં કરી શકીએ. તાકીદે ચાવી શોધવામાં મને મદદ કરો, પ્લીઝ.. એ વર્મોસ પેરુ લખેલું કી-ચેઇન છે. એ વિડિયો જોઈને કમેન્ટ કરતાં ઘણા હસ્યા અને દ્યણાએ સહાનુભૂતિ વ્યકત કરી હતી. કેટલાક લોકોએ લખ્યું હતું કે 'પક્ષના કાર્યકરો કારની ચાવી શોધી કાઢશે. ચિંતા કરવાની જરૂર નથી.'

(10:19 am IST)