Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

ઇટલીના આ આખા પરિવારને પીડા નથી અનુભવાતી

મેડિકલ ભાષામાં પીડા એ શરીરમાં કંઇક ગરબડ હોવાનું પ્રાથમિક લક્ષણ છે. પીડા થાય તો માણસને ખબર પડે છે કે તેના શરીરમાં કંઇક ઠીક નથી. જોકે ઇટલીમાં રહેતાં બાવન વર્ષનાં લેટિઝિયા માર્સિલી નામનાં બહેનનો આખો પરિવાર પીડામુકત છે. લેટિઝિયા, તેમની બે દીકરીઓ અને ત્રણ દોહિત્ર દોહિત્રીઓને કશું પણ વાગે તો પીડા નથી થતી. તેઓ પીડાથી એટલાં ઇમ્યુન છે કે હાડકું ભાંગીને બટકાઇ જાય તોય તેમને દર્દ નથી થતું. લેટિઝિયાને બાળપણમાં જ ખબર પડી ગયેલી કે તેના શરીરને પીડા નથી અનુભવાતી. તેની ત્વચા દાઝે કે હાડકું ભાંગે તો તેને ખબર નહોતી પડતી. આ જ લક્ષણ તેની બે દીકરીઓ અને દીકરીઓનાં ત્રણ સંતાનો સુધી આગળ વધ્યું છે. માર્સિલી પરિવારમાં કુલ છ સદસ્યો પીડાથી પરે છે. આ લોકોને ધારો કે હાડકું ભાંગે તો એ વખતે થોડીક પીડા થાય છે, પણ એ પછી ગણતરીની મિનિટોમાં પીડા ગાયબ થઇ જાય છે. એટલે શરીરમાં અંદર કંઇ ડેમેજ થયું છે કે કેમ એ બાબતે તેમને કોઇ અંદાજ આવતો જ નથી. પીડા પર અભ્યાસ કરતા નિષ્ણાતોએ આ ઇટાલિયન પરિવાર પણ અનેક પ્રયોગો કરીને શોધી કાઢયું છે કે શા માટે આ પરિવાર કોઇપણ પ્રકારની પીડાથી ઇમ્યુન છે. તેમણે પોતાની શોધને ધ માર્સિલી સિન્ડ્રોમ નામ આપ્યું છે. માનવશરીરમાં ZFHX2 નામના જનીનમાં મ્યુટેશનને કારણે આવું થાય છે. આ જનીન અન્ય ૧૬ જનીન પર કન્ટ્રોલ ધરાવે છે જેમાંથી કેટલાંક જનીન પીડાની સંવેદના પર કાબુ ધરાવે છે. સામાન્ય લોકોને એનેસ્થેસિયાની જરૂર પડે એવી પીડાજનક તકલીફ આ પરિવારના લોકો હસતા-રમતા જીવી કાઢે છે. સાઇકિલંગ કરતી વખતે હાથનું હાડકું તૂટી ગયા પછી પણ આ પરિવારના લોકો દસ-બાર કિલોમીટરનું સાઇકિલંગ પીડાની સંવેદના વિના કરી નાખે છે.

આ પરિવાર પર પ્રયોગ કરીને સંશોધકોને હવે આશા જાગી છે કે અત્યંત ક્રોનિક પીડાજનક રોગોમાં જનીનગત સારવાર કામ લાગી શકે છે. બીજી તરફ જનીનગત મ્યુટેશનને ઠીક કરીને આ પીડારહિત પરિવારને પણ નોર્મલ કરી શકાય એમ છે, પરંતુ આ પરિવારજનો જેમાં છે એમાં જ ખુશ છે.

(3:43 pm IST)