Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

મહિલાએ ભાડે રાખ્‍યો પતિ : દીકરી ૧૦ વર્ષથી છે અજાણ!

જાપાનમાં શરૂ થયો છે અબજ બિઝનેસ : કંપનીમાં રોમાન્‍સ કરી શકે તેવા લોકોની જ ભરતી!

ટોકીયો તા. ૨૩ : જાપાનમાં હવે તો પ્રેમ પણ વેચાતો જોવા મળી રહ્યો છે, ત્‍યાં ૩૬ વર્ષનો એક વ્‍યક્‍તિ ક્‍યારેક લોકોનો બેસ્‍ટ ફ્રેન્‍ડ બની જાય છે તો ક્‍યારેક કોઈનો પતિ તો ક્‍યારેક બોયફ્રેન્‍ડ પણ, કારણકે તે આ પ્રકારની નોકરી કરી રહ્યો છે. કે જેમાં તેને વિવિધ વ્‍યક્‍તિઓની સાથે જરૂરિયાત અનુસાર તેમનો આધાર બનવાનું કહેવામાં આવે છે.

આ વ્‍યક્‍તિ જયાં નોકરી કરે છે તે કંપની રોમાન્‍સ કરી જાણે તેવા લોકોની ભરતી કરે છે, અને કંપનીના ગ્રાહકોને જેની જરૂર હોય તેવા પાત્રો સરળતાથી ભજવી શકે. આ કંપનીમાં ૮૦૦ લોકોનો સ્‍ટાફ છે અને તેમાં બાળકોથી લઈને વૃધ્‍ધો સામેલ છે.

આ કંપનીમાં કામ કરતો કર્મચારી યુઈચી ૧૨ વર્ષની પુત્રી માટે પિતાની નોકરી કરી ચૂક્‍યો છે, તે જણાવે છે કે હું તે છોકરી સાથે ડિનર કરવા જાઉં છું, તેને થીમ પાર્ક ફરવા માટે લઈ જાઉં છું, ૪ કલાકના આ કામ માટે મને ૨૦,૦૦૦ યેન મળે છે. આ સિવાય નોકરીમાં થયેલા ખર્ચાના અલગથી રૂપિયા મળે છે. છેલ્લાં ૧૦ વર્ષથી આ છોકરીને એ વાતનો ખ્‍યાલ જ નથી કે જેને તે પિતા માને છે તે તેના પિતા નહીં પણ કોઈ એક પ્રોફેશનલ છે કે જે તેના પિતા તકીરેની નોકરી કરી રહ્યો છે.

છોકરીના પિતા તરીકેની નોકરીના અનુભવ વિશે તે જણાવે છે કે આ એક બિઝનેસ છે કારણકે હું ૨૪ કલાક આ છોકરીનો પિતા નથી, અને જયારે મારી નોકરી પતે અને તેને છોડીને જાઉં છું ત્‍યારે મને દુખ થાય છે. ઘણી વખત છોકરી રડવા પણ લાગે છે, અને ત્‍યારે મને એવું લાગે છે કે મારે આ નોકરી કરવી જોઈએ નહીં પણ આખરે આ એક નોકરી છે અને મારે મારા કાર્યને પણ તેના ભાગરૂપે જ જોવું જોઈએ.

આ કંપનીમા કામ કરતો તાકાશી નામનો એક વ્‍યક્‍તિ તેની નોકરીના ભાગરૂપે બોયફ્રેન્‍ડ, દોસ્‍ત, પિતા અને ૫ લગ્નોમાં નકલી વરરાજાનો રોલ ભજવી ચૂક્‍યો છે. અને તેણે જણાવ્‍યું કે તે પોતાના રોલની તૈયારી માટે હોલિવૂડ ફિલ્‍મ્‍સ જુએ છે. તે આ નોકરીને એક્‍ટિંગનો જ એક ભાગ ગણે છે. ઘણી વખતે તે તેના ગ્રાહકની સાથે ભાવનાત્‍મકરીતે જોડાઈ જાય છે પણ પછી તેમાંથી બહાર આવવા માટે તેને ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે.

આ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને તે કડવા સત્‍ય સામે સતત લડતા રહેવું પડે છે કે તેઓ એક એવા વ્‍યક્‍તિની સાથે પ્રેમમાં છે કે જે અસલી નથી અને જેમાં તેમને પાછો ફરી વખત પ્રેમ મળી શકશે પણ નહીં. અને તેઓ તેમના આ નિર્ણય અંગે ક્‍યારેય પસ્‍તાવો કરતા નથી. કારણકે અહીં નોકરી કરતા લોકોનું માનવું છે કે તેમનું આ કામ બીજા અનેક લોકોની જરૂરિયાત છે.

 

(4:37 pm IST)