Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

પૈસા બચાવવા ત્રણ અઠવાડિયા સુધી માત્ર નુડલ્સ ખાધા : હોસ્પિટલમાં સારવાર લેવી પડી

સસ્તુ ફૂડ પડયું મોંઘુ : ૭૪૯ યુઆન બચાવ્યા, ખર્ચ થયો ૧૧૦૦ યુઆન

બીજીંગ તા. ૨૩ : પૈસા કમાવવા એક કૌશલ્ય છે તો પૈસા બચાવવા એ પણ એક કળા છે. દરેક વ્યકિત પૈસા બચાવી શકતી નથી. તે ઈચ્છવા છતા પોતાના ખર્ચ પર કન્ટ્રોલ કરી શકતા નથી. મહિલાઓ આ કામમાં નિપુણ હોય છે. જોકે, પૈસા બચાવવાના ચક્કરમાં તે કયારેક એ હદે જતી રહે છે કે, મુશ્કેલીઓના પહાડ ઊભા થઈ જાય છે. કંઈક આવું જ થયું ચીનની એક યુનિવર્સિટી સ્ટુડન્ટ સાથે.

હોંગ જિયા નામની એક સ્ટુડન્ટે પૈસા બચાવવા ત્રણ સપ્તાહ સુધી માત્ર નૂડલ્સ જ ખાધા. પૈસા તો બચ્યા પણ ગત શુક્રવારે તેની સાથે કંઈક એવું બન્યું, જેના કારણે તેને જેટલા રૂપિયા બચાવ્યા તેનાથી વધુ ખર્ચ કરવા પડ્યાં. તમે પૂરો કિસ્સો વાંચો એ પહેલા તમને જણાવી દઈએ કે, હોંગ એટલા માટે પૈસા બચાવી રહી હતી કારણ કે, તે 'સિંગલ્સ ડે' ઓનલાઈન-ઓફલાઈન ડે પર શોપિંગ કરી શકે.

થયું એવું કે, હોંગે ત્રણ અઠવાડિયા સુધી સતત અને માત્ર નૂડલ્સ ખાધા જેના કારણે તેની તબીયત ખરાબ થઈ ગઈ. તે એ હદે બીમાર થઈ ગઈ કે, તેને હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું. આ દરમિયાન તેને હોસ્પિટલ અને દવાઓ પાછળ ૧૧,૨૦૦ રૂપિયા ખર્ચવા પડ્યાં. સામે તેણે ૭૪૯ યુઆન એટલે કે, ૭૬૦૦ રૂપિયા બચાવ્યા હતા.

હોંગે જણાવ્યું કે, તેને ખૂબ જ તાવ આવી ગયો. જોકે, હજુ તેની તબીયત બગડવાના ચોક્કસ કારણો સામે આવ્યા નથી પણ હોંગ પોતે માને છે કે, આવું કદાચ વધારે પડતા નૂડલ્સ ખાવાને લીધે થયું છે. ચીનના સોશિયલ મીડિયા પર લોકો હોંગ માટે દુઆ કરી રહ્યાં છે અને સાથે-સાથે તેની મજાક પણ ઉડાવી રહ્યાં છે.

(11:19 am IST)