Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ચીનના નવા ટેલિસ્કોપે એલિયન્સના અસ્તિત્વ પર કર્યો દાવો

નવી દિલ્હી: એલિયન્સ ( aliens) ના અસ્તિત્વ વિશે તમામ પ્રકારના દાવા કરવામાં આવે છે, પરંતુ તે દાવાઓની પુષ્ટિ ક્યારેય થઈ શકતી નથી. હવે ચીન સ્થિત એક નવા ટેલિસ્કોપે દાવો કર્યો છે કે તે બીજી દુનિયામાંથી કોઈ જીવની શોધની પુષ્ટિ કરી શકે છે. 500 મીટરનું જાયન્ટ એપરચર સ્ફેરિકલ રેડિયો ટેલિસ્કોપ (FAST) એલિયન્સ વિશે નક્કર માહિતી એકત્રિત કરવામાં સક્ષમ હોઈ શકે છે. ચીનનું આ ટેલિસ્કોપ વિશ્વનું સૌથી મોટું અને સૌથી સંવેદનશીલ ટેલિસ્કોપ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, FAST 400 મિલિયન પ્રકાશવર્ષના અંતરમાં અસ્તિત્વ ધરાવતી ટાઇપ III અથવા ગેલેક્ટીક લેવલ ટેકનોલોજી જેવી અદ્યતન એલિયન સંસ્કૃતિઓના ક્લસ્ટરોને શોધી શકે છે. એલિયન્સને શોધી શકાય તેવી શક્યતા નિષ્ણાતો વધારી રહ્યા છે. ગણતરી મુજબ, આ ટેલિસ્કોપ વોન ન્યુમેન પ્રોબ્સના જૂથોને શોધી શકે છે. જ્યોર્જિયામાં ફ્રી યુનિવર્સિટી ઓફ ટિબિલિસીના ડૉ. ઝાઝા ઉસ્માનોવે શોધી કાઢ્યું કે, ઉચ્ચ વિકસિત સંસ્કૃતિના વોન ન્યુમેન પ્રોબ જૂથને રેડિયોસ્પેક્ટ્રલ બેન્ડમાં જોઈ શકાય છે. ચીનનું આ વિશાળ ટેલિસ્કોપ દેશના દક્ષિણ પશ્ચિમ પ્રાંત ગુઇઝોઉના દાઓડાંગમાં સ્થિત છે. આ ટેલિસ્કોપ જાન્યુઆરી 2020માં સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવ્યું હતું. આ ટેલિસ્કોપ બનાવવામાં ચીનને 5 વર્ષ લાગ્યા હતા. ચીનની સરકારે કહ્યું હતું કે, આ ટેલિસ્કોપ તેની શરૂઆતથી જ સ્થિર અને વિશ્વસનીય સેવા પ્રદાન કરે છે.

 

 

 

(5:45 pm IST)