Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

મકાનની તિરાડમાં પંખી બી મૂકી ગયું અને ઊગી નીકળ્યું વડનું વૃક્ષ

ચીન, તા.૨૩: ચીનના ગુઆંગઝોઃ ટાઉનમાં ચાર માળનું એક બિલ્ડીંગ છે જેની દીવાલમાં છેલ્લા ૪૦ વર્ષથી વડનું વૃક્ષ ફુલ્યુંફાલ્યું છે. આ વડને કારણે ઇમારતની મજબૂતાઇ જોખમમાં મુકાઇ હોવાથી થોડાક સમય પહેલાં સ્થાનિક રહેવાસીએ એને બહારથી ટ્રિમ કર્યું છે. અહીં રહેતા સૌથી જૂના રહેવાસીનું  કહેવું હતું કે ૪૦થી વધુ વર્ષ પહેલાં દીવાલની એક તિરાડમાંથી આ વડની કૂંપળો ઉગવાનું શરૂ થયેલું જેને અમે નાની ડાળખી સમજીને અવગણ્યું હતું. જોકે ધીમ-ધીમે કરતાં આ વૃક્ષ એટલું મોટું થતું ગયું કે બિલ્ડિંગની એક તરફની આખી દીવાલને ફાડીને વિકસવા લાગ્યું. લગભગ ૭૦ વર્ષના એક દાદાનું કહેવું છે. કે વર્ષો પહેલાં દીવાલની એ તિરાડમાં પંખી જ કયાંકથી વડનું બીજ લાવ્યા હશે અને એમાંથી આ વૃક્ષ ઊગી નીકળ્યું છે.

આ વૃક્ષ ચાર માળની ઇમારત કરતાંય ઊંચું થઇ ગયું અને આજુબાજુના એરિયામાં એ વડને કારણે આગવી ઓળખ પામવા લાગ્યું એટલે લોકોનું કહેવું હતું કે આ મકાનને ટૂરિસ્ટ અટ્રેકશન બનાવીને સાચવી રાખવું જોઇએ. જોકે એમાં રહેતા લોકોએ  વાંધો ઉઠાવતાં વડની ડાળખીઓ કાપી નાખવામાં આવી છે. જોકે મકાનના ધાબા પરથી વડની લીલી કૂંપળો ફરી ઊગી નીકળી છે.

(4:29 pm IST)