Gujarati News

Gujarati News

News of Thursday, 23rd April 2020

હેં ! કોરોના ઇન્ફેકશનની સારવારમાં ચીનના બે ડોકટરોની ચામડીનો રંગ ઘેરો થઇ ગયો

ચીનની વુહાન સેન્ટ્રલ હોસ્પિટલમાં કોરોના ઇન્ફેકશનના દરદીઓની સારવાર કરતાં જાતે ઇન્ફેકશનનો ભોગ બનેલા બે ડોકટરોએ લાંબો વખત સુધી સારવાર લેવી પડી. એ સારવાર દરમ્યાન તેમની ચામડીનો ગોરો રંગ બદલાઈને ઘેરો થઈ ગયો હતો. ડો. યી.ફાન અને ડો. હુ વેઇફેન્ગ (બન્ને ૪૨ વર્ષના) બન્ને કોરોના વાઇરસની ઘાતકતા વિશે પહેલી વખત ઊહાપોહ મચાવનારા ડો. લી વેનલિયાન્ગના જોડીદાર હતા. ડો. લી. વેનલિયાન્ગને ચીનની સરકારે ઠપકો પણ આપ્યો હતો. આ બે ડોકટરો એ ઠપકાની કાર્યવાહીમાંથી માંડ બચ્યા છે. એ બન્નેને દરદીઓની સારવાર કરતાં-કરતાં ગયા જાન્યુઆરી મહિનામાં ઇન્ફેકશન લાગ્યું હતું. ત્યાર પછી લગભગ દોઢેક મહિનો તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખ્યા પછી એ બન્ને હરતા-ફરતા થયા ત્યારે તેમની ચામડીનો રંગ બદલાઈ ગયો હતો. બીજિંગની ટીવી ચેનલ્સના દર્શકોએ બન્નેના અગાઉના અને હાલના ફોટોગ્રાફસ જોયા ત્યારે તેમને આશ્યર્ય થયું હતું. નિષ્ણાત ડોકટરોએ જણાવ્યું હતું કે આ સ્થિતિ કાયમી નથી.

કાર્ડિયોલોજિસ્ટ ડો. યી ફાનને ૩૯ દિવસ સુધી ખાસ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. એ આધુનિક સિસ્ટમ લોહીમાં પ્રાણવાયુ (ઓકિસજન) પૂરો પાડીને હૃદય અને ફેફસાંનું કામ કરે છે. ડો. યી ફાન હજી પોતાના પગ પર ઊભા રહી શકતા નથી. બીમારીને કારણે જે માનસિક આઘાત લાગ્યો છે એને કારણે રાતે દુઃસ્વપ્નો આવે છે. યુરોલોજિસ્ટ ડો. હુ વેઇફેન્ગની તબિયત વધારે ખરાબ હતી. તેઓ ૯૯ દિવસ સારવારમાં રહ્યા હતા. તેઓ ટીવી કેમેરા સામે બોલી શકતા નહોતા. ફકત આભારની લાગણી દર્શાવવા પાસે ઊભેલા ડોકટરનો હાથ દબાવતા હતા. ડોકટરો હજી સુધી ડો. હુ વેઇફેન્ગની માનસિક સ્થિતિ વિશે ચિંતિત છે.

(3:43 pm IST)