Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ક્રિસમસ આડે ગણતરીના દિવસો છે ત્યારે ભય સતાવવા લાગ્યો

ઓમિક્રોનનો ભોગ બન્યા બાદ ૪૮ કલાકમાં પ્રથમ લક્ષણ અનુભવાય છે

લંડન, તા. ૨૨ :. યુકેમાં ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે. ક્રિસમસ આડે ગણતરીના દિવસો છે ત્યારે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે કે તેઓ કયાંક જાણ્યે અજાણ્યે ઓમિક્રોનનો ભોગ બની ન જાય. લોકડાઉન અને વધુ પાબંદી આવી પડે તેવી શંકાનું મોજુ પણ ફેલાયુ છે. લોકો તેમના સામાજિક સંપર્કો આ બીકે ઘટાડી રહ્યા છે. તજજ્ઞોએ પણ ઓમિક્રોન ઝડપી ફેલાય છે તેવો નિષ્કર્ષ આપી દીધો છે. કોવિડ-૧૯ અને ડેલ્ટા જેવા તેના અન્ય વેરીયન્ટના લક્ષણો ૫ થી ૧૪ દિવસમાં સપાટી પર આવતા હતા જ્યારે ઓમિક્રોનના લક્ષણો તરત જ નજરે પડે છે. જીવવિજ્ઞાન મુજબ ઓમિક્રોનનંુ લક્ષણ ભોગ બનેલા લોકોમાં ૪૮ કલાકમાં દેખાય છે. નાકમાંથી પાણી નિકળવું, ગળુ સુકાવું, સુકી ઉધરસ, માથુ દુઃખવું, થાક લાગવો અને છીંકો આવવી ઓમિક્રોનના લક્ષણો છે. એનએચએસ મુજબ ઓમિક્રોનનું સર્વસામાન્ય લક્ષણ શરદી સાથે વધુ પડતો તાવ આવવો અને સ્વાદ અને સુગંધનું ચાલ્યુ જવું છે. સામાન્ય શરદી સાથે તે ઘણો મળતો આવે છે માટે શરદી થાય તો પણ કોરોના ટેસ્ટ જરૂર કરાવો. આ ઉપરાંત છાતીમાં કફ પણ તેનુ લક્ષણ છે. તેના લક્ષણો હળવા છે. ખાસ કરીને જેણે વેકસીન લીધી ન હોય તેને માથુ દુઃખે છે અને સ્નાયુનો દુખાવો થાય છે. જેણે વેકસીનના ડબલ ડોઝ લઈ લીધા છે તેમને પણ ઓમિક્રોનની ઓછી અસર થઈ શકે છે તેવુ ડો. કોટઝીનું કહેવુ છે.

(3:00 pm IST)