Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

તમારા ચહેરાને કોફીમાં કંડારીને પી શકો એવી સેલ્ફીચીનો સર્વ કરે છે લંડનની કેફે

લંડન તા.૨૨:કોફી પર તરતા ફીણની ઉપર જાતજાતની આર્ટ દોરીને પીરસતી કેફેની લોકપ્રિયતા પછી લંડનમાં હવે તમારો ચહેરો કોફીમાં ઊપસાવેલો હોય એવી કોફી વેચાવા લાગી છે. લંડનની ઓકસફર્ડ સ્ટ્રીટમાં આવેલી ધ ટી ટેરેસ નામની કેફેમાં આવી કેપુચીનો કોફી વેચાય છે જેને લોકો સેલ્ફીચીનો તરીકે ઓળખે છે. યુરોપમાં આવું પહેલું સેન્ટર છે જ્યાં તમારો ખુદનો ચહેરો કોફીમાં ઊપસાવીને અપાય. આ કોઇ હેન્ડ-આર્ટ નહીં પણ મશીન-આર્ટ છે. કસ્ટમરે ઓનલાઇન એપ દ્વારા કેફેને પોતાનો સેલ્ફી મોકલવાનો હોય છે. કેપુચીનો કે હોટ ચોકલેટ પર આ સેલ્ફી તમે પીણામાં લઇ શકો છો. ખાસ મશીન દ્વારા કોફી કે હોટ ચોકલેટની ઉપર તરતા ફીણ પર ફલેવર વિનાના ફૂડ કલરિંગ દ્વારા તમારો ચહેરો દોરાઇ જાય છે. માત્ર ચાર મિનિટમાં આ સેલ્ફીચીનો તૈયાર થઇ જાય છે. એક કપ સેલ્ફીચીનોની કિંમત છે ૫.૭૫ પાઉન્ડ્સ એટલે કે લગભગ ૫૦૦ રૂપિયા.

(12:38 pm IST)