Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

યુટ્યુબ સ્ટન્ટના ચક્કરમાં બોયફ્રેન્ડે જીવ ગુમાવ્યો અને છોકરીને થઇ ૬ મહિનાની જેલ

ન્યુયોર્ક તા.૨૨: ઇન્ટરનેટ પર મગજ વિનાના સ્ટન્ટ્સ પર્ફોર્મ કરીને વાહ-વાહ મેળવી લેવાનું ઘેલું કયારેક જીવ લઇ લે છે. તાજેતરમાં અમેરિકાના મિનેસોતા શહેરમાં રહેતી વીસ વર્ષની મોનાલિસા પેરેઝ નામની યુવતીને ડેન્જરસ સ્ટન્ટમાં બોયફ્રેન્ડનો જીવ લેવા બદલ છ મહિનાની જેલની સજા થઇ છે. અલબત્ત, મોનાલિસા પોતે આ સ્ટન્ટ માટે પહેલાં તૈયાર નહોતી, પરંતુ તેના બાવીસ વર્ષના બોયફ્રેન્ડ પેડ્રો રૂઇઝે તેને માંડ-માંડ કન્વિન્સ કરી હતી. પેડ્રોને ખતરનાક સ્ટન્ટ્સ કરીને યુટ્યુબ પર નામ કમાવું હતું એટલે તે જીવ જોખમમાં મુકાય એવા ભયાનક સ્ટન્ટ્સ કરતો હતો. તેના જીવનના આખરી સ્ટન્ટમાં તેણે પોતાની છાતી પાસે એક જાડી બુક રાખી હતી અને તેની ગર્લફ્રેન્ડ મોનાલિસાને બંદૂકથી એ બુક પર ગોળી છોડવાનું કહ્યું હતું. તેને એવો અંદાજ હતો કે ગોળી પુસ્તકમાં જ ફસાઇ જશે, પણ એવું ન થયું. બંદૂકમાંથી છૂટેલી ગોળી પુસ્તકમાંથી આરપાર થઇને ડાયરેકટ તેની છાતીમાં જતી રહી. હાર્ટમાં ગોળી ઘૂસી ગઇ હોવાથી મોનાલિસા તેને બચાવવા માટે કશું કરી શકે એ પહેલાં જ તેના રામ રમી ગયા. આવા સ્ટન્ટ માટે બોયફ્રેન્ડને સાથ આપવા બદલ મોનાલિસાને છ મહિનાની કેદ થઇ છે.(૧.૪)

(11:39 am IST)