Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

આ ભાઈ મર્યા પછીયે ચીઝ સેન્ડવિચ સાથે લઈ ગયા

ન્યુયોર્ક, તા. ૨૨ :. કોઈ વ્યકિત મોહમાયામાં ડૂબેલી હોય ત્યારે ડાહ્યા લોકો શિખામણ આપતા હોય છે કે આ તો બધી મોહમાયા છે, શું લઈને આવ્યા છીએ અને શું લઈને જવાના છીએ ? જો કે અમેરિકાના પેન્સિલ્વેનિયામાં રહેતા રિચર્ડ લુસી નામના ભાઈ મર્યા પછી સાથે ફિલાડેલ્ફિયાની ખાસ ચીઝ સેન્ડવિચ પોતાની સાથે લઈ ગયા છે. વાત એમ છે કે ૭૦ વર્ષના રિચર્ડભાઈ ફિલાડેલ્ફિયાની ફિલી ચીઝસ્ટિકસ તરીકે ઓળખાતી ખાસ સેન્ડવિચના દીવાના હતા. કયારેક તો તેઓ ખાસ બે કલાકનું ડ્રાઈવિંગ કરીને એ સેન્ડવિચ ખાવા જતા. તેઓ જ્યારે સાજાનરવા હતા ત્યારે દોસ્તો અને દીકરા-દીકરીઓ સાથે ચાલતી જનરલ વાતોમાં તેમના એક દોસ્તે પૂછયું કે રિચર્ડ, આ દુનિયામાંથી એવી કઈ ચીજ છે જે તું મરતી વખતે સાથે લઈ જવા માગે છે ? રિચર્ડે ગંભીરતાથી તરત જ જવાબ આપ્યો, હું ફિલી ચીઝસ્ટિકસ સાથે લઈ જઈશ. એ વખતે તો બધાએ વાતને મજાકમાં ઉડાવી દીધી. જો કે થોડાક સમય પછી રિચર્ડને હાર્ટની તકલીફ થઈ અને તેઓ અચાનક મૃત્યુ પામ્યા. તેમને દફન કરવાના હતા ત્યારે તેમનો પૌત્ર ડોમિનિક બે કલાકનું ટ્રાવેલિંગ કરીને ખાસ તેમને પસંદ બે સેન્ડવિચ લઈ આવ્યો અને દાદાના કોફિનમાં તેમની સાથે એ મુકી દેવામાં આવી.

 

(9:58 am IST)