Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

રોજ રાતે સળંગ ૯ કલાક વિડીયો - ગેમ રમનારો ર૦ વર્ષનો યુવક થાકને કારણે મરી ગયો

બીજીંગ તા. રર :.. કિંગ્સ ઓફ ગ્લોરી નામની પોપ્યુલર મોબાઇલ ગેમ દર મહિને લગભગ વીસ કરોડ લોકો રમે છે. વીસ વર્ષનો ચીનનો એક યુવાન આ ગેમનો જબરો આદી થઇ ગયો હતો. લોન્લી કિંગ નામે તે આ ગેમ રમતો અને મોટા ભાગનો સમય તે ઓનલાઇન ગેમ રમતો જ જોવા મળતો. આ વિડીયો ગેમ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર તેના ૧,૭૦,૦૦૦ જેટલા ચાહકો થઇ ગયેલા. છેલ્લે તે બીજી નવેમ્બરે લાઇવ પ્લે કરતો જોવા મળ્યો હતો. બસ, એ પછીથી તે ઓન લાઇન જોવા મળ્યો જ નહીં એટલે તેના ચાહકોએ ગેમમાંથી ગાયબ થયેલા યુવકની નોંધ લીધી. તે જુલાઇ મહિનાથી રોજ રાતે રમવાનું શરૂ કરતો અને સવારે નવ વાગ્યા સુધી રમતો જ રહેતો. લોન્લી કિંગ યુવકના પરિવારજનોએ ૧૧ નવેમ્બરે સોશ્યલ મીડિયાના તેના પેજ પર મેસેજ મૂકયો હતો કે વીસ વર્ષનો યુવક તેના છેલ્લા ગેમિંગ-સેશન પછી મૃત્યુ પામ્યો હતો. પરિવારજનોનું કહેવું છે કે લાંબા કલાકો સુધી નોન-સ્ટોપ ગેમ રમીને તે એટલો થાકી ગયો કે થાક અને ઊંઘમાં જ મૃત્યુ પામ્યો હતો. જો કે હજી સુધી તેના મૃત્યુનું ખરું કારણ જાણવા નથી મળ્યું.  હજી ઓગસ્ટ મહિનામાં જ ન્યુઝ આવેલા કે વિડીયો-ગેમનું ઘેલું લાગવાથી ૧૭ વર્ષની ટીનેજરની એક આંખની દ્રષ્ટિ ચાલી ગઇ હતી.

 

(10:01 am IST)