Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

માતા-પિતાની હત્યા બાદ AK-47 હાથમાં લઈ આતંકીઓ પર તૂટી પડી

અફઘાનિસ્તાનની બહાદુર દીકરી

કાબુલ, તા.૨૨: અફઘાનિસ્તાનમાં એક ૧૬ વર્ષની બહાદુર છોકરીના પરાક્રમે દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે. તાલિબાની આતંકીઓએ આ છોકરીની સામે જ તેના માતા પિતાની હત્યા કરી નાખી તો છોકરીએ આતંકીઓ પર વળતો પ્રહાર કર્યો અને બે તાલિબાની આતંકીઓનો ખાતમો કરી નાખ્યો. આ ઘટનાક્રમ ગત અઠવાડિયાનો છે જયારે સરકારની મદદ કરવા બદલ નારાજ થયેલા આતંકી તેના પિતાને પાઠ ભણાવવા માટે ઘોર પ્રાંત સ્થિત તેમના ઘરે પહોંચ્યા હતાં.

સગીરાએ જયારે હથિયાર હાથમાં લીધુ તો અનેક તાલિબાની આતંકીઓ ઘાયલ થયા અને જીવ બચાવવા ભાગવા માંડ્યા હતાં. સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તાલિબાનના નિશાના પર ફકત ગામના પ્રધાન અને છોકરીના પિતા હતાં. હુમલા દરમિયાન કમર ગુલ દ્યરમાં હતી અને માતા પિતાને મરતા જોઈને તેણે AK-47 ઉઠાવીને ફાયરિંગ શરૂ કરી દીધુ. કમર ગુલની બહાદુરીના ચર્ચા હવે દુનિયાભરમાં થઈ રહ્યાં છે.

ગુલના હુમલાથી ધૂંધવાયેલા તાલિબાની આતંકીઓનું એક જૂથ ફરીથી હુમલા માટે ગામ પહોંચ્યો તો ગ્રામીણોએ સરકાર સમર્થક હથિયારધારી લોકોની મદદથી તેમને ભાગવા માટે મજબૂર કરી દીધા. પ્રાંતના ગવર્નરના પ્રવકતા મોહમ્મદ આરિફ અબરના જણાવ્યાં મુજબ ત્યારબાદ અફઘાન સુરક્ષા દળ ગુલ અને તેના ભાઈને સુરક્ષિત સ્થળે લઈ ગયાં. ઘટનાક્રમનો ખુલાસો થતા જ ગુલ ખુબ જ ઓછા સમયમાં સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ. આ બધા વચ્ચે મશીન ગન ઉઠાવતી ગુલની એક તસવીર પણ વાયરલ થઈ છે.

નઝીબા રહેમાનીએ પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યું કે જુઓ એક અફઘાની છોકરીનો જુસ્સો. તેના સાહસને સલામ. આ બાજુ ફાઝિલાએ ફેસબુક પર ગુલની તાકાત અને હિંમત બંનેના વખાણ કર્યાં. આ ઉપરાંત મોહમ્મદ સાલેહ પોતાની ફેસબુક પોસ્ટમાં લખે છે કે આપણે જાણીએ છીએ કે માતા પિતાની ભરપાઈ કોઈ કરી શકે નહીં પરંતુ તમારી બહાદૂરથી તમારા પરિજનોને શાંતિ મળી હશે. તાલિબાની આતંકીઓ છાશવારે સરકાર અને સુરક્ષાદળોનું સમર્થન કરનારા ગ્રામીણોની હત્યા કરી નાખે છે. જો કે શાંતિવાર્તા માટે રાજી થવા છતાં સુરક્ષાદળો અને તેમના મદદગારો પર આવા હુમલા અટકવાનું નામ લેતા નથી.

(3:37 pm IST)