Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

ભારતના ભણેલા અને શહેરી લોકોમાં માનસિક સમસ્યાઓ વધી રહી છે

નવી દિલ્હી તા.૨૧: ગુજરાતીમાં કહેવત છે વધુ ડાહ્યા વધુ ખરડાય. આ વાત એટ લીસ્ટ એન્ગ્ઝાયટી ડિસઓર્ડરની બાબતમાં તો અક્ષરશઃ સાચી પડતી હોય એવું લાગે છે. ચિંતા, સ્ટ્રેસ, વિચારોના ગોટે ચડીને સતત ઉચાટ, વ્યગ્રતા, હતાશા અને નકારાત્મકતાથી ઘેરાયેલા રહેવુંએ એન્ગ્ઝાયટી ડિસઓર્ડરની નિશાની છે. આ રોગ ભારતમાં રાજ્યવાર કયાં અને કેટલો ફેલાયેલો છે એનો રિપોર્ટ લેન્સેટ નામની મેડિકલ જર્નલમાં છપાયો છે. ૧૯૯૦માં જીવનમાં અક્ષમતાને કારણે એડ્જસ્ટ કરીને જીવવું પડે એવા રોગોની  યાદીમાં એન્ગ્ઝાયટી ડિસઓર્ડરનો ક્રમ ૪૦મો હતો. જોકે વર્લ્ક હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મત મુજબ આ રોગને કારણે હવે જીવનનાં હેલ્ધી વર્ષોમાં નોંધપાત્ર અને ઘણો મોટો ઘટાડો થતો હોવાનું નોંધાયુ છે જેને કારણે અક્ષમતા લાવતા રોગોની યાદીમાં એનો ક્રમ ૨૬મો થઇ ગયો છે. જનરલ પેનિક અટેક અને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર એ હકીકતમાં ડિપ્રેશન જેટલા ખતરનાક નથી હોતા, પરંતુ એનાથી વ્યકિતના જીવનમાં આર્થિક, સામાજિક અને માનસિક અક્ષમતાઓ પેદા થવાની સંભાવના વધુ હોય છે. નેશનલ મેન્ટલ હેલ્થ સર્વે ઓફ ઇન્ડિયા ૨૦૧૫-૧૬ના રિપોર્ટ મુજબ મેટ્રો અને શહેરી વિસ્તારોમાં રહેતા લોકોમાં માનસિક હેલ્થની સમસ્યા ખૂબ વધી રહી  છે અને એની માઠી અસર તેમના કામ, પરિવાર અને સામાજિક જીવન પર પણ પડી રહી છે. ભારતનાં મહારાષ્ટ્ર, દિલ્હી, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને કેરળ જેવાં રાજ્યોમાં એન્ગ્ઝાયટી ડિસઓર્ડરની સમસ્યા સૌથી વધુ છે.

(12:01 pm IST)