Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

નવ સંતાનોને સ્કૂલમાંથી ઉઠાડીને યુગલ દુનિયા ફરવા નીકળી પડયું

ન્યુયોર્ક, તા. ૯ : અમેરિકાના નોર્થ કેરોલિના રાજયના શાર્લોટ શહેરમાં રહેતા ૪૦ વર્ષના મેગન અને માઇકલ નોર્પ નામના યુગલે પોતાના બાળકોને દુનિયા દેખાડવા માટે સ્કૂલમાંથી ઉઠાડી મૂકયા છે. આ યુગલને ૧૮ વર્ષનો એલિજા, ૧૪ વર્ષનો એન્ડ્રયુ, ૧૧ વર્ષનો પીટર અને ૧૦ ર્વાની એશર નામે ચાર બાયોલોજિકલ સંતાનો છે. એ ઉપરાંત તેમણે ૧૭ વર્ષનો ડેનિયલ, ૧૬ વર્ષનો એસ્ટર, ૧૩ વર્ષની પર્લ, ૧૦ વર્ષની ઇવ અને ૬ વર્ષની જયુડ નામના પાંચ બાળકોને દત્તક લીધેલા છે. સૌથી પહેલા તો તેમણે અમેરિકામાં જ ફરવાનું શરૂ કરેલું. કેમ્પર વેન ભાડે લઇને યુગલે બાળકોની સાથે અમેરિકા એકસપ્લોર કર્યું. એ પછી એક આખું વર્ષ યુરોપમાં ગાળ્યું. માઇકલ અને મેગન બાળકોને જયાં જાય ત્યાંની સ્થાનિક હિસ્ટરી અને સ્થાનિકોની જીવનશૈલીનો પરિચય અપાવે છે. તેમનું માનવું છે કે સ્કૂલમાં જઇને શીખવા કરતા બાળકો પોતાની મેળે જિંદગીના પાઠો વધુ સારી રીતે શીખી શકે છે. યુગલને લાગે છે કે તેમના નવેનવ બાળકો જિનીયસ છે અને તેમને પુસ્તકિયું જ્ઞાન આપીને બીબાંઢાળ નથી બનાવી દેવા. યુગલ બાળકોને વિશ્વદર્શન કરાવવા માગે છે એ વાત બહુ સારી છે, પણ એ તેમની સ્કૂલના ભોગે થઇ રહ્યું છે એ વાતે તેમની પર ખાસ્સું સામાજિક પ્રેશર છે. કેટલાકને લાગે છે કે તેઓ ચાઇલ્ડ અબ્યુઝ કરે છે. ર૦૧૪થી તેઓ બાળકોને હોમસ્કૂલિંગ જ કરાવતા આવ્યા હતા. જોકે પછી તો એ પણ બંધ કરી દેવામાં આવ્યું અને દરેક બાળકને જે ક્ષેત્રનું શિક્ષણ લેવું હોય એ મુજબી ચોઇસ આપવામાં આવી છે. અત્યારે યુગલ બાળકોને લઇને યુરોપના વિવિધ સ્થળે ફરી રહ્યા છે.

(11:22 am IST)