Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ફાયબર - પ્રોટીનથી ભરપૂર ફણગાવેલા કઠોળ વજન ઉતારવા માટે છે સુપરફૂડ

નવી દિલ્હી તા. ૨૦ : વધેલું વજન ઘટાડવા માટે એકસરસાઈઝની સાથે ડાયટનું પણ મહત્વ છે. યોગ્ય ડાયટ સાથે એકસરસાઈઝ કરવાથી ચોક્કસ પરિણામ મળે છે. રિસર્ચમાં પણ સામે આવ્યું છે કે, યોગ્ય ડાયટ કસરતની અસરને વધારે છે. એવા ઘણા સુપરફૂડ છે જેને ખાવાથી વેટ લોસની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. આ સુપરફૂડ પૈકીના એક છે સ્પ્રાઉટ્સ એટલે કે ફણગાવેલા કઠોળ. ફણગાવેલા કઠોળ વેઈટ મેનટેઈન કરવાથી લઈને વેટ લોસમાં ફાયદાકારક છે. પ્રોટીન અને ફાયબરથી ભરપૂર સ્પ્રાઉટ્સ વેટ લોસની સાથે અનેક બીમારીઓમાં પણ લાભદાયી છે.

બ્લડપ્રેશર અને બ્લડ શુગર કંટ્રોલ કરવામાં સ્પ્રાઉટ્સ અકસીર છે. સ્પ્રાઉટ્સને રૂટિન ડાયટમાં સામેલ કરીએ તો પહેલા અઠવાડિયાથી જ ફરક મહેસૂસ થવા લાગે છે. વજન ઘટાડવા માટે પહેલા નંબરે ફણગાવેલા કઠોળ જ આવે છે. પેટને ભરેલું રાખે છે સાથે જ શરીરને ઓછામાં ઓછી કેલરી આપે છે સ્પ્રાઉટ્સ. કોલેસ્ટ્રોલનું સ્તર નીચું રાખવામાં પણ ઉપયોગી છે. પાચનક્રિયા સારી બનાવે છે સાથે જ લોહીને શુદ્ઘ રાખવામાં પણ ઉપયોગી છે. સ્પ્રાઉટ્સ ખાવાથી ખૂબસુરતી પણ નિખરે છે.

– એક કપ સ્પ્રાઉટ્સમાં લગભગ ૭.૬ ગ્રામ ફાઈબર હોય છે. ફાઈબર પાચનક્રિયાને સારી બનાવે છે. આ ખાવાથી પેટ ભરેલું લાગે છે અને કબજિયાત પણ નથી થતી.

– એક કપ સ્પ્રાઉટ્સમાં ૧૪ ગ્રામ પ્રોટીન હોય છે. જે મસલ્સની સાથે જ આખા શરીર માટે ખૂબ જરૂરી છે.

– વેટ લોસમાં ફાયદાકરક છે કારણકે સ્પ્રાઉટ્સમાં કેલરી ખૂબ ઓછી હોય છે. એક બાઉલ સ્પ્રાઉટ્સમાં માત્ર ૧૦૦ કેલરી હોય છે.

– સ્પ્રાઉટ્સમાં ફેટનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. ૧૦૦ ગ્રામ સ્પ્રાઉટ્સમાં માત્ર ૦.૩૮ ગ્રામ જ ફેટ મળે છે.

– સ્પ્રાઉટ્સ વિટામિન, મિનરલ અને એન્ટી-ઓકિસડંટ્સનો ખજાનો છે. ખામીયુકત DNAને વ્યવસ્થિત કરવા અને એજિંગ ઈફેકટને સ્લો કરવાનું કામ સ્પ્રાઉટ્સ કરે છે. શરીરને હાનિકારક તત્વોથી પણ મુકત કરે છે.

ચણા અને મગને ધોઈને સાફ કરીને રાત્રે પાણીમાં પલાળી લો. સવારે પાણી કાઢીને કઠોળ સાફ પાણીમાં બાંધીને રાખી દો. પ્રયાસ કરવો કે કપડામાં બાંધેલા કઠોળને લટકાવીને રાખો અથવા કોઈ ચાળણીમાં રાખો જેથી હવાની અવરજવર થતી રહે. કપડું સૂકાઈ જાય તો ભીનું કરીને ફરી લટકાવી દેવું. બીજા દિવસે સવારે સ્પ્રાઉટ્સ તૈયાર થઈ ગયા હશે. સલાડની જેમ બનાવી ખાઈ શકો છો. જો તમને કાચા સ્પ્રાઉટ્સ ન ભાવતા હોય તો સામાન્ય બાફીને પણ ખાઈ શકાય છે. જેથી ગેસ અને એસિડિટી જેવી સમસ્યા ન થાય.

(9:35 am IST)