Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

લગ્નના ત્રણ દાયકા પછીય આ ચીની દંપતી પાઈ-પાઈનો હિસાબ અલગ જ રાખે છે

બીજીંગ,તા.૨૦ : ચીનના તિયાન્જિન પ્રાંતનાં રહેવાસી દંપતી મિસ્ટર એન્ડ મિસિસ ચેન લગ્નના ત્રણ દાયકા પછી પણ એક-એક પૈસાનો હિસાબ અલગ રાખતાં હોવાનું જાણીને ઘણા બધા લોકોને આશ્ચર્ય થયું હતું. લોકોમાં ચચાનો હોટ ટોપિક બનેલું ચેન-દંપતી ઘરમાં બન્નેની વસ્તુઓ જુદી રાખે છે. ખાવાપીવાની વસ્તુઓ પણ એટલી હદે જુદી હોય કે ફ્રિજમાં મૂકેલા ડઝન ઈંડાંમાં ચાર પત્નીનાં અને આઠ પતિનાં હોય તો એ અલગ- અલગ રાખ્યાં હોય છે. પ્લાસ્ટિક વોશબેસિન્સના પણ બે ભાગ પાડ્યા છે. સૌથી વધારે નોંધપાત્ર બાબત એ છે કે બન્ને એક પથારી પર સૂતાં નથી. મિસિસ ચેન પલંગ પર સૂતાં હોય તો મિસ્ટર ચેન ઘરની અંદરની લોબીમાં ચટાઈ પર ગોદડું પાથરીને સૂઈ જાય છે. જો લાઇટનો બલ્બ ઊડી જાય તો મિસિસ ચેન કોઈ પાડોશીને બોલાવીને તેમની મદદ લે છે. ઘરના ચોક્કસ ભાગની લાઇટનો લેમ્પ હોય તો જ મિસ્ટર ચેન એ બદલવા કે રિપેર કરવામાં સહાયરૂપ બને છે.

આ પરિસ્થિતિ માટે મિસિસ ચેન તેમના પતિના સ્વાર્થી વર્તનને જવાબદાર ગણે છે. પરણ્યા પછીના દિવસોમાં યુવાનીમાં મિસ્ટર ચેન કાંઈ પણ લાવે તો તે પોતાને માટે સંતાડીને કે અલગ રીતે રાખી મૂકતા હતા. મિસ્ટર ચેન જે લાવે એમાંથી કશું મિસિસ ચેનને આપતા નહોતા એથી મિસિસ ચેને પતિને તેમની જ દવા પિવડાવવાનું નક્કી કર્યું. એ વખતથી પત્નીએ પણ દરેક બાબતનો નોખો હિસાબ રાખવાનું નક્કી કર્યું હતું. અત્યારે ૫૦ વર્ષથી વધારે ઉંમરનાં આ પતિ-પત્ની એ વખતે માંડ બાવીસથી પચીસ વર્ષનાં હશે ત્યારથી તેમનો આવો વ્યવહાર ચાલે છે. જોકે આ પદ્ઘતિ ઘરમાં શાંતિ જાળવવામાં સૌથી વધારે અસરકારક હોવાનું બન્ને કબૂલે છે.

(2:43 pm IST)