Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ડિપ્રેશનની સારવાર લો છો ? તો હાઇ-ફેટ ડાયટ બંધ કરો

 પેરીસ તા. ૨૦: વ્યકિત જયારે ડિપ્રેશન ફીલ  કરતી હોય ત્યારે ફીલ-ગુડ કરવા માટે થઇને ફેટવાળી ચીજો વધુ ખાવા પ્રેરાય છે. એનાથી થોડીક વાર માટે સારું લાગે છે, પરંતુ સરવાળે માનસિક અસ્વસ્થતા વધે છે. ફ્રેન્ચ સાયન્ટિસ્ટોનું કહેવું છે કે જયારે કોઇ ડિપ્રેશન માટે એન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓ અથવા તો કાઉન્સેલિંગ દ્વારા સારવાર લઇ રહ્યું હોય ત્યારે જલદી પરિણામ મળે એ માટે હાઇ-ફેટ ડાયટ ઘટાડી દેવી જોઇએ. ચરબીયુકત ખોરાક વધુ ખાવાથી મગજમાં પરિવર્તન આવે છે અને વ્યકિતમાં વ્યગ્રતા અને હતાશાનાં લક્ષણો પેદા થાય છે. ફ્રેન્ચ સાયન્ટિસ્ટો એ ઉંદરો પર પ્રયોગ કરીને તારવ્યું હતું કે હાઇ-ફેટ ડાયટ ખાવાથી વજન અને બ્લડ-શુગરનું પ્રમાણ પણ વધે છે. આ બંન્નેને કારણે મગજમાં બદલાવ થાય છે. રિસર્ચરોએ હાઇ-ફેટ ડાયટ સાથે ઉંદરોને એન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓ આપી હતી, પણ એ દવાઓની અસર સાવ ઓછી થતી હોવાનું નોંધાયું હતું. પેરીસની યુનિવર્સિટીના અભ્યાસકર્તાઓનું કહેવું છે કે હાઇ-ફેટ ખાવાથી ચયાપચયની પ્રક્રિયામાં બદલાવ થાય છે. જયારે ઉંદરોને હાઇ-ફેટ ડાયટ ખવડાવવાનું બંધ કયું ત્યારે ચયાપચયની ગરબડમાં આપમેળે સુધારો થયો અને વ્યગ્રતા તેમ જ ડિપ્રેશનનાં લક્ષણોમાં પણઘટાડો થયો. રિસર્ચરોનું કહેવું છે કે ડિપ્રેશનની સારવાર દરમ્યાન ચરબીયુકત ખોરાક ઘટે તો આપમેળે ડિપ્રેશનમાં ફાયદો થાય છે અને એન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓની અસરકારકતા પણ સુધરે છે. (૧.૧૭)

(4:27 pm IST)