Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ડાયાબિટીઝ હોય તો બ્રેકફાસ્ટ વહેલો કરવો

વોશીંગ્ટન તા. ૨૦: સવારનો બ્રેકફાસ્ટ બહુ જ મહત્વનો છે એવું આપણે હવે જાણીએ છીએ. જોકે આખી રાતનો ફાસ્ટ તમે કયા સમયે તોડો છો એ સમય પણ મહત્વનો છે, જેમને ટાઇપ ટુ પ્રકારનો ડાયાબિટીઝ હોય તેમના માટે ખાસ. અમેરિકાના શિકાગોમાં આવેલી યુનિવર્સિટી ઓફ ઇલિનોઇના નિષ્ણાતોનું કહેવું છે કે જે ડાયાબિટીઝના દર્દીઓ ઊઠયા પછી બહુ મોડા બ્રેકફાસ્ટ કરે છે તેમનું વજન વધુ રહે છે. ઓબેસીટી એ ટાઇપ ટુ ડાયાબિટીઝના દર્દીઓનો મોટો દુશ્મન છે. અભ્યાસકર્તાઓનું કહેવું છ. કે ડાયાબિટીઝના દર્દીઓનું રૂટીન સવારે વહેલું શરુ થઇ જાય એ તેમના સ્વાસ્થય માટે મહત્વનું છે. જે લોકો મોડી રાત સુધી જાગે છે તેઓ મોડેથી જમે છે અને સવારે પણ મોડા ઉઠે છે. મોડા ઉઠવાને કારણે તેમનો બ્રેકફાસ્ટ પણ લેટ થાય છે. આ એક વિષચક્ર છે. કેટલાક લોકો વહેલી સવારે બહુ ફ્રેશ હોય છે તો કેટલાક લોકો સાંજ ઢળે એમ ખીલતા જાય છે. સાંજ ઢળે ત્યારે ખુબ એકિટવ રહેતા હોય એવા લોકો સવારે મોડેથી ઉઠે છે. સવારના સમયમાં સુસ્તી અનુભવતા લોકો બ્રેકફાસ્ટ મોડેથી કરે છે જેને કારણે ઓવરઓલ કેલરી ઇન્ટેક વધે છે અને શરીરની મેટાબોલીજમ પેર્ટન ડિસ્ટર્બ થાય છે. યુનિવર્સિટી ઓફ ઇલિનોઇના નિષ્ણાંતોનું કહેવું છે કે હાઇટના પ્રમાણમાં વજનનો ઇન્ડેકસ નોર્મલ રહે એ માટે રાતે પુરતી ઊંઘ મળે એ મહત્વનું છે અને બીજા દિવસે સવારે કેટલા વાગ્યે બ્રેકફાસ્ટ લો છો એ પણ મહત્વનું છે. સવારે વહેલા ઊઠનારા લોકો સાતથી આઠની વચ્ચે બ્રેકફાસ્ટ કરે છે જયારે મોડે સુધી જાગનારા લોકો સાડાસાતથી નવ વાગ્યા સુધીમાં નાસ્તો કરે છે. જે લોકો વહેલા નાસ્તો કરે છે તેઓ આપમેળે સાંજનું ડિનર પણ વહેલું કરે છે. આ ઇટિંગ પેર્ટન ડાયાબિટીઝના દર્દીઓ માટે ખુબ અસરકારક છે. (૧.૧૬)

(4:26 pm IST)