Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

પાળેલા શ્વાનને ચલાવવા લઇ ગયેલી યુવતીને શ્વાનોએ ફાડી ખાધી

ન્યુયોર્ક તા.૧૯: અમેરિકાના વર્જિનિયામાં રિચમન્ડ શહેરથી પચાસ કિલોમીટર દૂર આવેલા ગૂચલેન્ડ ગામમાં બેથની લિન સ્ટીફન્સ નામની બાવીસ વર્ષની છોકરી રોજના નિત્યક્રમ મુજબ ગુરૂવારે સવારે તેના પાળેલા ડોગીઓને લઇને ચાલવા ગયેલી, પણ તે કયાંય સુધી પાછી આવી જ નહીં. છેક સાંજ ઢળવા લાગી એટલે તેના પપ્પાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને બેથની જે રસ્તા પર રોજ ડોગીઓને ચલાવવા લઇ જતી હતી એ રસ્તા પર જઇને તપાસ કરવાનું વિચાર્યુ. જોકે ત્યાં તેમને જે દૃશ્ય જોવા મળ્યુંએ દર્દનાક હતું. બેથની રોડની નજીકની ઝાડીમાં મૃત અવસ્થામાં હતી અને તેના શરીરના અમુક ભાગો પર બચકાં ભરેલા હતા. સૌથી વધુ તો ગળા અને મોં પર ઊંડા નહોર હતા. ગુનાનું પગેરૃં શોધવાના નિષ્ણાતોનું માનવું છે કે બેથનીને તેના જ પાળેલા ડોગીઓએ મારી નાખી છે. તેના હાથ અને પગ પર પોતાનો બચાવ કરતી વખતે થાય એવા ઘા થયા છે. જોકે બેથનીની બહેનપણી અને તેના પેરન્ટ્સ આ વાત કોઇ રીતે માનવા તૈયાર નથી. આ શ્વાનો તેમની પાસે સાવ અઠવાડિયાની ઉંમરના કુરકુરિયાં હતા ત્યારથી સાથે હતા અને તેમણે આ પહેલા કદી હિંસક વર્તન દાખવ્યું નહોતું.

(11:36 am IST)