Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

રશિયાએ છોડેલ 30 મિસાઈલ પૈકી 29 તોડી પાડી હોવાનો યુક્રેનનો દાવો

નવી દિલ્હી:  રશિયાએ યુક્રેનના વિવિધ હિસ્સામાં ૩૦ મિસાઇલ છોડી હતી અને સામે યુક્રેને દાવો કર્યો છે કે અમે ૨૯ મિસાઇલ તોડી પાડી છે. આમ રશિયાએ યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમનો સ્ટ્રેસ ટેસ્ટ લીધો હતો.
રશિયાના આ મિસાઇલ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બેને ઇજા થઈ હતી. આ મિસાઇલ દક્ષિણ પ્રાંત ઓડેસાના ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગને અથડાયું હતું. જ્યારે એક વ્યક્તિ ઇજા પામ્યો હતો અને એક માર્યો ગયો હતા, એમ મિલિટરી વહીવટીતંત્રના પ્રવક્તા સર્ફી બ્રત્ચુકે જણાવ્યું હતું. કીવમાં વિસ્ફોટકોનો અવાજ સંભળાયા હતા. ક્રેમલિને કીવને મહિનામાં નવમી વખત ટાર્ગેટ કરી છે. યુક્રેનના અપેક્ષિત વળતા પ્રહારની રાહ જોવાઈ રહી છે ત્યારે રશિયાએ તેના પરનું આક્રમણ વધારી દીધું છે. યુક્રેને રશિયાના બે વિસ્ફોટક ડ્રોન અને બે રિકન્સેાસન્સ ડ્રોન તોડી પાડયા હતા. આ તોડી પાડવામાં આવેલા મિસાઇલનો કાટમાળ કીવના બે જિલ્લામાં પડયો હતો. એક ગેરેજ પર પડતા ત્યાં આગ લાગી હતી. આ હુમલામાં કેટલાના મોત થયા અને કેટલાને ઇજા થઈ તે અંગે જાણી શકાયું નથી. યુક્રેન અમેરિકા પાસેથી પેટ્રિયેટ મિસાઇલ સિસ્ટમ મેળવ્યા પછી રશિયાના ડ્રોન અને મિસાઇલ તથા રોકેટ હુમલાને મોટા અંશે ખાળવામાં સફળ રહ્યુ છે. પેટ્રિયટ સિસ્ટમ રશિયન શસ્ત્રો કરતા ચડિયાતી નીવડી હોવાનો યુદ્ધ નિષ્ણાતોનો દાવો છે.

 

(6:31 pm IST)