Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

જપાનીઓના દાક્ષિણ્યની દાદ દેવી પડે, ટ્રેન માત્ર ર૦ સેકન્ડ વહેલી ઉપાડી એ બદલ જાહેરમાં માફી માગી

કોઇ પ્રવાસી ટ્રેન ચૂકયા નહોતા અને કોઇએ ફરિયાદ પણ નહોતી કરી છતાં ટ્રેન-કંપનીએ સામેથી સોરી કહ્યું

ટોકીયો તા. ૧૮: ટોકયો શહેરને ઉત્તરનાં ઉપનગરો સાથે જોડતી સુબુકા એકસપ્રેસ ટ્રેનની રવાનગી ર૦ સેકન્ડ વહેલી કરવાને લીધે પ્રવાસીઓને થયેલી 'અપરંપાર પરેશાની' બદલ જપાનની રેલવે-ઓપરેટર સુબુકા એકસપ્રેસ કંપનીએ માફી માગી લીધી છે. સમયના શિસ્ત અને નમ્રતા માટે ખ્યાતિ ધરાવતી સુબુકા એકસપ્રેસ કંપનીએ મિનામી નગારેયેમાં સ્ટેશન પર રવાનગીના સમય ૯:૪૪:૪૦ ને બદલે ૯:૪૪:ર૦ વાગ્યે ટ્રેન રવાના થઇ એ બાબતે માફી માગી હતી. માફી માગવાની એ ઘટનાથી જપાનના સ્થાનિક લોકોને પણ આશ્ચર્ય થયું હોવાનું સોશ્યલ મીડિયા પર લખેલી પોસ્ટ્સ દ્વારા જાણવા મળ્યું હતું.

કંપનીએ માફીનામામાં જણાવ્યું હતું કે, વહેલી રવાનગીને કારણે કોઇપણ પ્રવાસી ટ્રેન ચુકયા નહોતા. એ ઉપરાંત પ્રવાસીઓ તરફથી કોઇ ફરિયાદ પણ મળી નથી. માફીનામાના સમાચારની ચર્ચાઓથી સુબુકા એકસપ્રેસ કંપનીના અધિકારીઓને આશ્ચર્ય થયું છે. કંપનીના પ્રવકતાએ જણાવ્યું હતું કે 'ભૂતકાળમાં પણ ટ્રેનો સમયપત્રકથી વહેલી રવાના થવા બાબતે માફી મગાઇ છે. હાલમાં 'સ્ટ્રિકટ સેફટી પ્રોસીજર્સ'નો અમલ કરવામાં ન આવ્યો હોવાથી અમે માફી માગી છે. અત્યારે ર૦ સેકન્ડનો સવાલ નથી. ખરેખર તો ટ્રેનની રવાનગીની સુચનાનો અવાજ ૧પ સેકન્ડ પહેલાં ગુંજવા માંડે છે. ત્યારપછી દરવાજા બંધ કરવા બાબતે ચેતવણીની સૂચના આપવામાં આવે છે. ત્યાર પછી દરવાજા બંધ કરવામાં આવે છે. ત્યાર પછી કમ્પાર્ટમેન્ટ્સના દરવાજા બંધ થાય છે.'

 

(4:05 pm IST)