Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

મોબાઇલ ફોન ચોરી કર્યા બાદ એટલો વાઇબ્રેટ થશે કે તેને પકડવો મુશ્કેલ બનશે

સ્વિડનની કંપની એરિકસને નવી ટેકનોલોજી વિકસાવી : પેટન્ટ માટે અરજી કરી

સ્ટોકહોમ, તા. ૧૮ : જો તમે ભીડ ભરેલી જગ્યાએ હો અને તમારા ખિસ્સામાં મોબાઇલ હોય તો પણ તે ચોરાવાનો ખતરો હવે નહીં રહે, કેમ કે સ્વિડનની કંપની એરિકશને એવી ટેકનોલોજી વિકસાવી છે, જેમાં ચોર તમારા ખિસ્સામાંથી મોબાઇલ ચોરવાની કોશિશ કરશે કે તરત જ એટલો બધો વાઇબ્રેટ થશે કે તેને પકડવો સરળ નહીં હોય.

લો ફ્રીકશન મોડમાં આવી જવાના કારણે મોબાઇલ ખૂબ જ ચીકણો થઇ જશે અને સતત વાઇબ્રેટ થવાના કારણે તેને પકડવો મુશ્કેલ બનશે. હજુ આ ટેકનોલોજી માર્કેટમાં આવી નથી. એરિકશને આ ટેકનોલોજીને પેટન્ટ કરાવવા માટે ફેબ્રુઆરીમાં આવેદન કર્યું હતું.

કંપનીનું કહેવું છે કે પેટન્ટ મળતા જ અમે તેનું ઉત્પાદન શરૂ કરી દઇશું. આ ટેકનોલોજીમાં ખાસ વાત એ છે કે, તેમાં મોબાઇલને ચોરીથી બચાવવા માટે બાયોમેટ્રિક, ફિંગર પ્રિન્ટ અને ઓળખ માટે ઓપ્ટિકલ સેન્સર લગાવાયા છે. આ સેન્સર અલગ અલગ મોડ પર કામ કરશે.

લો ફ્રીકશન મોડ દ્વારા દિલની ધડકનો પરથી પણ એ જાણી શકાશે કે આ મોબાઇલ તેના માલિકનો છે કે નહીં. તેનો ઉપયોગ કોઇ બીજી વ્યકિત કરી રહી છે કે નહીં. હાઇ ફ્રીકશન મોડમાં એ જાણી શકાય છે કે હાથ કે ખિસ્સામાં રાખેલો મોબાઇલ કોઇ બીજી જગ્યાએ છે. કંપનીનું માનવું છે કે આ ટેકનોલોજીથી દુનિયાભરમાં મોબાઇલ ચોરીની ઘટનાઓને સરળતાથી રોકી શકાશે.

એપલની આઇઓએસ-૭ ઓપરેટિંગ સિસ્ટમથી સંચાલિત થતા આઇફોનમાં એકિટવેશન લોકોની સુવિધા છે, જયારે એપલે આ ફીચર શરૂ કર્યું તો લંડનમાં આઇફોનની લૂંટફાટ સબંધિત ઘટનાઓમાં ર૪ ટકા અને સાન ફ્રાન્સિસ્કોમાં ૩૮ ટકાનો ઘટાડો થયો હતો.

ચોરી માટે સૌથી સરળ હેન્ડસેટ આઇફોન માનવામાં આવે છે, કેમ કે હળવી આંગળીઓના સહારે તેની ચોરી થઇ શકે છે. સેમસંગના ફોન પણ મોટી સંખ્યામાં ચોરી થયા હતા.

(3:25 pm IST)