Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

મોંઘું ફર્નિચર તાપમાં મૂકવાની સજા રૂપે માલિકે કામવાળીને તાપમાં ઝાડ સાથે બાંધી દીધી

રિયાધ તા. ૧૬ :.. સાઉદી અરબની રાજધાની રિયાધમાં એક ઘરમાં કામ કરતી મહિલાને તેના માલિકે એક નાની ભૂલની અમાનવીય સજા કરી હતી. આ મહિલા ફિલિપીન્સથી કામ કરવા આવી હતી. અકોસ્ટા બારૂએલો નામની આ મહિલાને તેના માલિકે બળબળતા તાપમાં ઝાડ સાથે બાંધી દીધી હતી.

આ સજા કરવાનું કારણ એ હતું કે ઘરની સફાઇ દરમ્યાન અકોસ્ટાએ ઘરનું કિંમતી ફર્નીચર બહાર તાપમાં કાઢીને મુકયું હતું. મોંઘી લકઝૂરિયસ ચીજો તાપમાં તપતી જોઇને માલિકનું મગજ પણ તપી ગયું અને તેણે કામવાળી મહિલા સાથે અમાનવીય વર્તન કર્યુ. તેને ઘરની બહાર તાપમાં ઊભા રાખવાની સજા કરી અને પછી તે હાલીચાલી ન શકે એ માટે તેને ઝાડ સાથે બાંધી દીધી. જો કે તેની સાથે થતી આ ક્રુરતાનો વિડીયો ઉતારીને સોશ્યલ મીડિયા પર તરતો મુકી દીધો. સાઉદી અરબમાં કાર્યરત ફિલીપીન્સ ડીપાર્ટમેન્ટ ઓફ ફોરેન અફેર્સને આ ઘટનાની ખબર પડતાં તેમણે દરમ્યાનગીરી કરીને મહિલાને પાછી ફિલિપીન્સ મોકલાવી દીધી છે. અકોસ્ટાનું કહેવું છે કે 'જેણે મારો ફોટો સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો તેનો ખૂબ આભાર મારા જેવા બીજા અનેક લોકો છે તેમનો પણ જલદી છૂટકારો થાય એવી આશા છે.'

(11:27 am IST)