Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીને દાદા-દાદીને ભેટવા ૧૦ વર્ષની પૌત્રીએ પ્લાસ્ટિકનો પડદો બનાવ્યો

ન્યૂયોર્ક તા. ૧૫ : કોરોના વાઇરસના પ્રસારને કારણે વિશ્વભરમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ હવે નવું નથી રહ્યું. જોકે પરિવારજનોથી અંતર જાળવવું ઘણું અઘરું થઈ જતું હોય છે. ખાસ કરીને વડીલોને ચેપ ન લાગે એ માટે તેઓ એકબીજાને સ્પર્શે નહીં એ જરૂરી છે. જોકે કેલિફોર્નિયાની ૧૦ વર્ષની એક છોકરીએ સોશ્યલ ડિસ્ટન્સિંગનાં ધોરણોનું પાલન કરીને તેનાં દાદા-દાદીને ભેટવા માટે એક અનોખો માર્ગ શોધી કાઢ્યો હતો.

કેટલાંક ટ્યુટોરિયલ્સ જોઈને આ છોકરીએ શાવર-કર્ટન્સ અને કેટલીક અન્ય ચીજોના ઉપયોગથી પ્લાસ્ટિકનો એક પડદો બનાવ્યો અને એને દાદા-દાદીની રૂમના દરવાજે લગાવીને દાદા-દાદીને ભેટવાની પોતાની ઇચ્છા પૂરી કરી. પડદાની આ તરફ છોકરી અને બીજી તરફ દાદા-દાદી. જયારે આ કન્યા દાદા-દાદીને ભેટી રહી હતી ત્યારે તેની મમ્મીએ વિડિયો અને ફોટો લીધા હતા જે ફેસબુક પર શેર કરીને કેપ્શનમાં લખ્યું, 'એક વિડિયો પરથી પ્રેરણા લઈને તેણે પહેલાં તો જોઈતી ચીજોની યાદી તૈયાર કરી અને પછી પડદો તૈયાર કરીને દાદા-દાદીને ભેટવાની પોતાની ઇચ્છા પૂરી કરી.' આ છોકરીના કામથી તેનાં દાદા-દાદી તો ખુશ થયાં જ છે, પણ ઇન્ટરનેટ પર પણ તેને ખૂબ વખાણવામાં આવી રહી છે.

(2:54 pm IST)