Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

વાદળી પ્રકાશથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રાખવામાં મદદ થાય

લંડન તા. ૧૪: શરીરમાં લોહીનું ભ્રમણ કાબૂમાં રહે એ માટે કેટલાક બાહ્ય પરિબળો પણ મદદરૂપ થઇ શકે છે. યુરોપિયન જર્નલ ઓફ પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજીમાં છપાયેલા અભ્યાસ મુજબ ભૂરા રંગના પ્રકાશથી બ્લડપ્રેશરની સમસ્યા નિયંત્રણમાં રાખી શકાય છે. નિયમિતપણે વાદળી રંગનો પ્રકાશ શરીરને મળે તો એનાથી હાઇપરટેન્શન અને હૃદયરોગનો ખતરો પણ ઘટી શકે છે. અભ્યાસકર્તાઓએ પાર્ટિસિપન્ટ્સને ૩૦ મિનિટ સુધી ભૂરા પ્રકાશમાં રાખ્યા હતા જેનાથી લગભગ એક દિવસની સૂરજની રોશની જેટલો પ્રકાશનો ડોઝ વ્યકિતના શરીરમાં જાય.

અભ્યાસકર્તાઓએ વિવિધ પ્રકારના પ્રકાશના વિકિરણની પ્રક્રિયાની શરીર પર થતી અસર તપાસી હતી. તેમણે પાર્ટિસિપન્ટ્સના લોહીનું દબાણ, ધમનીઓનું કડકપણું, રકતવાહિનીઓની સંકોચન-વિસ્તરણની ક્ષમતા અને બ્લડ-પ્લાઝમાના સ્તરની તપાસ કરી હતી. બ્રિટનની સરે યુનિવર્સિટી અને જર્મનીની હેનરિક યુનિવર્સિટીના સંશોધકોએ આ તમામ વિશ્લેષણ બાદ તારવ્યું હતું કે વાદળી રંગનો પ્રકાશ રકતવાહિનીઓની કાર્યક્ષમતા સુધારે છે અને લાંબા સમય સુધી આ પ્રકાશ લેવામાં આવે તો એનાથી કોઇ આડઅસર પણ નથી થતી.

(2:44 pm IST)