Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

કર્મચારીએ ગ્રાહકને પોતાના પૈસે ૪૦૦ રૂપિયાનું પેટ્રોલ ભરાવી આપતાં ગ્રાહકે બદલામાં અપાવ્યા ર૩ લાખ રૂપિયા

કદી પરગજુ થઇને કરેલું કામ એળે નથી જતું: એ ભારત હોય કે સાઉથ આફ્રિકા, બીજાને મદદ કરવાથી ફાયદો જ થાય છે

કેપટાઉન તા. ૧૪ :. કદી પરગજુ થઇને કરેલું કામ એળે નથી જતું. એ ભારત હોય કે સાઉથ આફ્રિકા, બીજાને મદદ કરવાથી ફાયદો જ થાય છે. સાઉથ આફ્રિકાના કેપટાઉન શહેરમાં રહેતી ર૧ વર્ષની મોનેટ ડેવેન્ટર નામની યુવતી શહેરથી થોડે દૂર ગઇ હતી અને ત્યાં પેટ્રોલ ખૂટતાં પેટ્રોલ પમ્પ પર પહોંચી ગઇ હતી. જો કે એ વખતે તેને ખબર પડી કે તે પર્સ કે ક્રેડિટ કાર્ડ સાથે લેવાનું ભૂલી જ ગઇ છે. મોનેટ જે વિસ્તારમાં હતી એ ગુંડાઓનો ગણાતો હતો. મોનેટ પોતે શ્વેત હતી અને આ વિસ્તાર અશ્વેત ગેન્ગસ્ટર્સનો હતો. તે સહેજ મૂંઝાઇ કે પેટ્રોલ ભરાવવું કે નહીં ? એવામાં ત્યાં કામ કરતો નકોસિકો મબેલે નામનો અશ્વેત કર્મચારી યુવતીની અવઢવ સમજી ગયો. તેણે કહયું કે કાંઇ વાંધો નહીં, નેકસ્ટ ટાઇમ આવો ત્યારે પૈસા આપજો. અત્યારે હું મારા પૈસામાંથી ચૂકવણી કરી દઇશ. મોનેટને ખબર હતી કે આ કર્મચારી માટે ૪૦૦ રૂપિયા ખરેખર બહુ મોટી રકમ  છે અને છતાં તે મદદ કરી રહ્યો છે. એ વખતે તો મોનેટ આભાર માનીને ત્યાંથી નીકળી ગઇ, પણ પછી તેણે ફેસબુક-અકાઉન્ટ પર આ કિસ્સો લખ્યો અને આ નકોસિકોને મદદ કરવા માટે મુવમેન્ટ ચલાવી. સોશ્યલ મીડિયા પર ચોતરફ અત્યારે કર્મચારીની વાહવાહી ચાલે છે. લોકોએ ભેગા મળીને જોતજોતામાં ર૩ લાખ રૂપિયા ભેગા કરી લીધા છે જે તેના ૮ વર્ષની નોકરીના કુલ પગાર જેટલા છે. જો કે મોનેટે એકઠા કરેલા આ પૈસા લેવા નકોસિકો તૈયાર નથી. તેને ડર છે કે તે જયાં રહે છે ત્યાં આ રૂપિયા ચોરાઇ જશે. એને બદલે જો તે આ રૂપિયામાંથી સારું ઘર બનાવવામાં અને સંતાનોની સ્કુલ-ફી ભરવામાં ડાયરેકટ મદદ કરે તો સારું એવી તેની વિનંતી છે.

(10:23 am IST)