Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

જાપાનના શહેરમાં રોબો ઉમેદવાર લડશે મેયરની ચૂંટણી

ટોકીયો, તા.૧૪ : આગામી એક-બે દાયકામાં રોબો લાખો લોકોની નોકરી છીનવી લેશે એવી વાતો તો આપણે ઘણી વાર સાંભળી છે, પરંતુ નગરના મેયરની નોકરી માટે પણ રોબો આટલી જલદી દાવો માંડશે એવો અંદાવ નહોતો. તાજેતરમાં જાપાનના તામા શહેરના મેયર માટેની ચૂંટણીમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ધરાવતો રોબો મેદાનમાં ઊતર્યો છે. કોઇ આખા શહેરનો વહીવટ રોબો દ્વારા થઇ શકે એવું આજની તારીખે તો અશકય છે. એમ છતાં કૃત્રિમ બુદ્ધિશકિતનો મેકિસમમ ઉપયોગ કરીને વહીવટને નિયંત્રિત કરવાના પ્રયોગમાં રોબોને ઊભો રાખવામાં આવ્યો છે. આ રોબો એના ચૂંટણીપ્રચારમાં લોકોને ન્યાયપૂર્ણ અને સંતૂલિત રાજકીય વહીવટ કરવાનું પ્રોમિસ આપે છે. આ આઇડિયા ૨૦૧૪માં મેયરની ચૂંટણીમાં હારેલા ૪૪ વર્ષના મત્સુદા નામના ઉમેદવારનો છે. એ વખતે તો બહુ મોટા માર્જિનથી મત્સુદાને હાર મળી હતી, પરંતુ આ વખતે તેમનું કહેવું છે કે શહેરની વ્યવસ્થા સુધારીને ન્યાયપૂર્ણ નિર્ણયો માટે આર્ટિફિશ્યલ ઇન્ટોલિજન્સ જ કારગર છે. ભ્રષ્ટાચાર ઘટાડવાનો આ સૌથી  સરળ ઉપાય છે. માનવ-ઉમેદવારોની જેમ જ આ રોબો ઉમેદવારનો પ્રચાર થાય છે. પોસ્ટરોમાં મત્સુદાએ ઠેર-ઠેર રોબોની જ તસ્વીરો મૂકી છે. ૧પ એપ્રિલે ચૂંટણી છે અને ઘણા લોકો ઇચ્છે છે કે શહેરની કાયાપલટ માટે રોબો મેયર જ ઠીક રહેશે.

(12:50 pm IST)