Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

આ બહેનના નામે વિશ્વની સૌથી મોટી એફ્રો હેરસ્ટાઇલનો રેકોર્ડ છે

એફ્રો હેરસ્ટાઇલ એ ઘુંઘરાળા વાળને કારણે માથાની આજુબાજુમાં બનતા ગુચ્છા જેવી નેચરલ હેરસ્ટાઇલ છે

ન્યુયોર્ક, તા.૧૨: ન્યુયોર્કના બ્રુકલિનની સિમોન વિલિયમ્સ નામની યુવતીએ હાલમાં જ ૧.૪૮ મીટર એટલે કે ૪ ફુટ ૧૦ ઇંચનો ઘેરાવો ધરાવવા સાથે વિશ્વની સૌથી મોટી કુદરતી એફ્રો હેરસ્ટાઇલ માટે ગિનેસ રેકોર્ડ કાયમ કર્યો છે. એફ્રો હેરસ્ટાઇલ એ ઘુંઘરાળા વાળને કારણે માથાની આજુબાજુમાં બનતા ગુચ્છા જેવી નેચરલ હેરસ્ટાઇલ છે.

૯ વર્ષ પહેલાં હેર સલૂનના પૈસા બચાવવા સિમોને તેના વાળ વધવા દીધા હતા. જોકે આ વખતે તેણે સ્વપ્ને પણ વિચાર્યું નહોતું કે તે એક દિવસ વિશ્વની સૌથી મોટી મહિલા એફ્રો હેરસ્ટાઇલનો રેકોર્ડ તોડશે. કોરોના સંક્રમણ પહેલાં તે વાળ બાંધવા વિશે વધુ જાણતી નહોતી. જોકે ધીમે-ધીમે તેને ફાવટ આવી ગઈ અને તેના ગુચ્છેદાર વાળ પર તેને લોકોની કમેન્ટ મળવી શરૂ થઈ. અગાઉની રેકોર્ડધારક, એવિન દુગાસ વિશે જાણ્યા પછી સિમોનને તેનો રેકોર્ડ તોડી પોતાનો કાયમ કરવાની પ્રેરણા મળી હતી. જયારે તેનું રેકોર્ડ પોતાના નામે કરવાનું સપનું પૂરું થયું ત્યારે તે વિશ્વાસ નહોતી કરી શકી.

આ રેકોર્ડની આડઅસરો પણ છે. સિમોન ટોપીઓ પહેરી શકતી નથી અને ઝાડની નીચે લટકતી ડાળીઓ વાળમાં ન ભરાય એનું પણ તેણે ધ્યાન રાખવું પડે છે.

(12:43 pm IST)