Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

આફ્રિકાની ધરતી પરથી મળી આવ્યો એક અમૂલ્ય ખજાનો

નવી દિલ્હી: આફ્રિકાની ધરતી પરથી ફરી એક વાર અનમોલ ખજાનો મળી આવ્યો છે. ઝામ્બિયામાં ખનન કંપની જેમફીલ્ડને ૭૫૨૫ કેરેટ એટલે કે ૧૫૦૫gનું પન્નાનું રત્ન મળી આવ્યું છે. આ કંપનીના ઇતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી મોટો પન્ના છે, જે કાગેમ ખાણમાંથી ખનન દરમિયાન મળ્યો છે. કંપનીએ જણાવ્યું કે આ પન્નાને ૧૩ જુલાઈના રોજ ખાણમાંથી કાઢવામાં આવ્યો હતો અને તેની જાહેરાત હવે કરવામાં આવી છે. આ પન્નાના કદને જોતા સ્થાનિક ભાષામાં આ રત્નનું નામ 'રાઈનોસોર્સ' આપવામાં આવ્યું છે. આ રત્નની શોધ જીઓલોજિસ્ટ માનસ બેનરજી અને રિચર્ડ કાપેટાએ કરી છે. સામાન્ય રીતે ૧૦૦૦ કેરેટથી વધુના રત્ન મળવા દુર્લભ હોય છે. હમણા સુધી ખૂબ ઓછા લોકોને ૧૦૦૦ કેરેટથી ઉપરના રત્ન શોધી શક્યા છે. આ પહેલા કાગેમ ખાણથી આ પ્રકારની શોધ થઈ ચૂકી છે.

આ રત્ન કાચની જેમ દેખાઈ રહ્યું છે અને તેનો રંગ ગ્રીન એટલે કે લીલો છે. આ રત્નને હવે કંપનીની આગામી હરાજી દરમિયાન વેચવા માટે મૂકાશે, આ હરાજી નવેમ્બરના અંત સુધીમાં થઈ શકે છે. આ હરાજીથી જે પૈસા મળશે તેનો એક હિસ્સો અહીંયાના કાળા ગેંડાના સંરક્ષણ માટે કરાશે. આ સિવાય શિક્ષણ, આરોગ્ય અને જીવનનિર્વાહ સાથે જોડાયેલા પ્રોજેક્ટમાં પણ પૈસા ખર્ચ કરાશે. આનાથી ઝામ્બિયામાં રચનાત્મક ફેરફાર થવાની આશા છે. આ પહેલા આફ્રીકાના બોત્સવાના દેશમાં વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી મોટો હીરો ખાણમાંથી મળી આવ્યો હતો. આ હીરાને ખાણમાંથી બહાર કાઢનારી કંપની દેબસ્વાનાએ કહ્યું હતું કે આ અદ્રભૂત હીરો ૧૦૮૯ કેરેટનો છે.

 

(4:40 pm IST)