Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

નોકરીના કલાક પતાવીને આ ભાઇ સ્પાઇડરમેન જેવાં કપડાં પહેરીને લાગી પડે છે કચરો સાફ કરવા

જાકર્તા,તા.૧૨: ઇન્ડોનેશિયામાં સફાઈની કામગીરીનું વ્યવસ્થિત તંત્ર નથી. ખાસ કરીને પ્લાસ્ટિકનો કચરો સીધો નદી અને દરિયામાં ઠલવાતો હોય છે. એ દેશના કાંઠાળ ક્ષેત્રમાં વસતા લોકોને સ્વચ્છતા માટે સમજાવવા સ્થાનિક કેફેના કર્મચારી રૂડી હર્તોનો તનતોડ પ્રયાસ કરી ચૂકયો છે. રસ્તા પર વિખેરાયેલો કચરો ઉપાડવાની તકેદારી રાખવા અને ફરજ સમજીને નિષ્ઠાપૂર્વક એ કામ કરવાનું સમજાવવા રૂડી હર્તોનોએ સ્પાઇડરમેનનો ભૂરા રંગનો વેશ પહેરવો પડ્યો હતો. સૌથી વધારે વસ્તીમાં વિશ્વમાં ચોથા ક્રમે આવતો દેશ ઇન્ડોનેશિયા દર વર્ષે ૩૨ લાખ ટન કચરો પેદા કરે છે.

સ્પાઇડરમેનનો કોસ્ચ્યુમ પહેર્યા પછી સ્વચ્છતાના આગ્રહ અને એ સંદેશમાં પ્રચાર-પ્રસાર માટે લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકાયું હોવાનું ૩૬ વર્ષના રૂડી હર્તોનોએ જણાવ્યું હતું. કેફેનું કામકાજ સાંજે ૭ વાગ્યે શરૂ થાય એ પહેલાં હર્તોનો સ્પાઇડરમેનના વેશમાં કચરો ભેગો કરીને લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. નાના-નાના ૧૭,૦૦૦ ટાપુઓનો દ્વીપસમૂહ ઇન્ડોનેશિયા વિશ્વમાં પ્લાસ્ટિકનો કચરો પેદા કરવામાં ચીન પછી બીજા ક્રમે છે.

(3:42 pm IST)