Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

કોરોના કાળથી વર્ચ્યુઅલ કોન્ફરન્સથી મહિલાની ભાગીદારીમાં થયો વધારો

નવી દિલ્હી    : કોરોનાકાળમાં વર્ચ્યુઅલ કોન્ફરન્સ (વીસી)થી નવા વર્ક કલ્ચરના ઘણા ફાયદા પણ સામે આવ્યા છે. વીસીને કારણે પર્યાવરણલક્ષી, સામાજિક અને આર્થિક અસરો અંગેનું અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીનું રિસર્ચ નેચર જર્નલમાં પ્રકાશિત થયું છે. તે મુજબ વીસીને કારણે મહિલાઓની ભાગીદારી 253 ટકા વધી છે. પ્રો. કેસી ફૉસ્ટનું કહેવું છે કે રિસર્ચથી સામે આવ્યું કે કોરોનાકાળ પહેલાં ઇન પર્સન એટલે કે ફેસ ટુ ફેસ મીટિંગમાં મહિલાઓની ભાગીદારી ઓછી રહેતી હતી. હવે નવા રિસર્ચથી સામે આવ્યું છે કે મહિલાઓની ભાગીદારી વધવા ઉપરાંત પ્રોફેસર્સ અને સ્ટુડન્ટ્સની ઉપસ્થિતિમાં પણ 344 ટકાનો વધારો થયો છે. વીસીને કારણે લોકોમાં મીટિંગમાં ભાગ લેવા પરિવહનખર્ચમાં પણ ઘટાડો નોંધાયો. પરોક્ષ રીતે પર્યાવરણમાં પ્રદૂષણનું સ્તર પણ ઘણું ઘટ્યું. રિસર્ચથી સામે આવ્યું કે વીસીને કારણે કોરોનાકાળ અગાઉની સરખામણીમાં પ્રદૂષણ 7 હજાર ગણું ઘટ્યું છે. વીસીને કારણે લોકોમાં ઇન્ટરનેશનલ એક્સપોઝર પણ ઘણું થયું. અગાઉ વિદ્યાર્થીઓએ વિદેશ જવામાં આર્થિક પડકારોનો સામનો કરવો પડતો હતો. કોરોનાકાળ દરમિયાન વીસીના વધતા ચલણને કારણે મોબાઇલ અને લેપટોપ દ્વારા પરસ્પર સંવાદ સરળ થઇ ગયો. રિસર્ચ મુજબ, વીસી તથા અન્ય પ્રકારના ઇલેક્ટ્રોનિક સંવાદ માધ્યમોએ તમામ વર્ગોના લોકોને મોટો લાભ પહોંચાડ્યો છે.

(5:59 pm IST)