Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

વિશ્વમાં વાયુ પ્રદૂષણથી વર્ષે 42 લાખ લોકો કમોતે મરતા હોવાની માહિતી

નવી દિલ્હી: સમગ્ર દુનિયાના લોકો માટે હવાનું પ્રદૂષણ અત્યંત ખતરનાક સાબિત થઈ રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના તાજેતરના અંદાજ મુજબ દર વર્ષે ૪૨ લાખથી વધુ લોકોના કસમયે મોત થઈ જાય છે. તેનું કારણ લાંબા સમય સુધી પીએમ ૨.૫નો સંપર્ક છે. બીજીબાજુ કેનેડામાં થયેલા અભ્યાસ મુજબ પીએમ ૨.૫ના કારણે દર વર્ષે કેનેડામાં ૧૫ લાખ લોકોના કસમયે મોત થાય છે. અભ્યાસમાં જણાયું હતું કે હવાનું પ્રદૂષણનું નીચા સ્તરે પહેલાંની સરખામણીમાં અત્યંત ખતરનાક છે. સાયન્સ એડવાન્સીસ જર્નલમાં પ્રકાશિત લેટેસ્ટ અભ્યાસથી જાણવા મળે છે કે પીએમ ૨.૫ના કારણે વાર્ષિક વૈશ્વિક મૃત્યુદર પહેલાની સરખામણીમાં ઘણો વધુ હોઈ શકે છે. સંશોધકોને જણાયું હતું કે, આઉટડોર પીએમ ૨.૫ના ખૂબ જ નીચા સ્તરે પણ મૃત્યુદરમાં વધારો થયો હતો. તેને પહેલા સંભવિત જીવલેણના રૂપમાં માન્યતા અપાઈ નહોતી. આ એક સૂક્ષ્મ ઝેરી પદાર્થ છે, જે હૃદય અને શ્વાસોચ્છ્વાસની બીમારીઓ અને કેન્સરની એક શ્રેણીનું કારણ બને છે. કેનેડાની મેકગિલ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર અને આ અભ્યાસના મુખ્ય લેખક સ્કોટ વીંચેંથલે કહ્યું કે અમને જણાયું છે કે બાહ્ય પીએમ ૨.૫ દર વર્ષે આખી દુનિયામાં ૧૫ લાખ લોકોના કસમયે મોત માટે જવાબદાર છે. સંશોધકોએ સમગ્ર દેશમાં બાહ્ય પીએમ ૨.૫ સાંદ્રતા અંગે ૨૫ વર્ષના સમયમાં એકત્ર થયેલા ૭૦ લાખ કેનેડિયન લોકોના સ્વાસ્થ્ય અને મૃત્યુદરના આંકડા પર અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં એ વાત વધુ સારી રીતે સમજવામાં આવી કે હવાનું પ્રદૂષણ વૈશ્વિક સ્તર પર માણસના સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે.

(6:42 pm IST)