Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

અજાણ્યા લોકો સાથે વાત કરવાથી આરોગ્ય સુધરી શકે છે

નવી દિલ્હી, તા.૧૦: આમ તો નાનપણથી જ અજાણી વ્યકિતઓ સાથે વાત ન કરવાનું શીખવવામાં આવે છે, પણ યુનિવર્સિટી ઓફ શિકાગોના બિહેવ્યરલ સાયન્ટિસ્ટ્રસ નિકોલસ ઇપ્લી અને જુલિયાના શ્રોડરે તેમના અભ્યાસના આધારે તારવ્યું છે કે બહાર નીકળીને મૂંગા બેસી રહેવા કરતાં લોકો સાથે વાતચીત કરવી બહેતર છે અને વાસ્તવમાં લોકો અન્ય વ્યકિતઓ સાથે સંપર્ક સાધવાના સકારાત્મક પ્રભાવને ઓછો આંકે છે.

આ માટે બંને સંશોધકોએ અભ્યાસમાં ભાગ લેનારા સહભાગીઓને સાથી મુસાફરો સાથે વાતચીત શરૂ કરવા માટે જણાવ્યું હતું. ઇપ્લી અને શ્રોડરે તેમના લેખમાં જણાવ્યા પ્રમાણે 'અમે શિકાગોમાં બસ અને ટ્રેનના પ્રવાસીઓને જણાવ્યું કે તેમને એકલા બેસી રહેવા કરતાં અન્ય લોકો સાથે વાતચીત કરવાનું કેવું લાગશે, પણ મોટા ભાગના લોકોને એમાં રસ પડયો નહોતો.'

કેવળ ૪૦ ટકા સહભાગીઓને લાગતું હતું કે સાથી પ્રવાસીઓ પણ તેમની સાથે વાતચીત કરવાનું પસંદ કરશે. જોકે નવાઇની વાત એ રહી કે સંવાદ શરૂ કરનારા પૈકીના ૧૦૦ ટકા લોકોને હકારાત્મક પ્રતિભાવ મળ્યો અને તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો હતો એટલું જ નહીં, આ સંશોધકોએ એ પણ તારવ્યું હતું કે અપરિચિત વ્યકિત સાથે વાત કરવાથી તમે તેમનામાં પણ ઉત્સાહનું સિંચન કરી શકો છો.

તો હવે અજાણ્યા લોકોથી મોં ફરવ્યા વિના તેમની સાથે વાતચીત કરવાનું શરૂ કરી દો.

(3:30 pm IST)