Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

ચીની વૈજ્ઞાનિકોની કમાલ !! ડુક્કર વાંદરાના ડીએનએ ભેગા કરી નવું હાઇબ્રિડ પેદા કર્યુ

બીજીંગ : ચીની સંશોધકો જાત જાતના પ્રયોગો કરતા રહે છે. ચીને હવે પ્રયોગો દ્વારા નવી પ્રજાતીનું પ્રાણી પેદા કરી દેખાડયું છે. ચીની સંશોધકોએ લેબોરેટરીમાં પ્રયોગ કરીને ચીનમાં જોવા મળતાં પિગ્સ (ડુક્કર) અને સીનોમોલગ્સ પ્રકારના વાંદરાના મિશ્રણ જેવું સિમેરા નામનું પ્રાણી પેદા કર્યું છે. લેબોરેટરીમાં સિમેરાના કુલ બે બચ્ચાં જનમ્યા છે. જોકે તેનો દેખાવ જોતા એ ડુક્કરના બચ્ચાં જેવા જ લાગે છે.

મોટા થયાં પછી તેના દેખાવમાં વાનરના લક્ષણો પણ જોવા મળે એવી શક્યતા છે. ચીનનું આયોજન પ્રયોગશાળામાં જ મનુષ્યના વિવિધ અંગો પેદા કરવાનું છે. એ પ્રયોગના ભાગરૂપે જ આ વર્ણસંકર પ્રજાતી પેદા કરાઈ હતી. ચીની સંશોધકોએ જણાવ્યું હતુ કે મનુષ્યના વિવિધ અંગો નીત-નવી બિમારીનો ભોગ બનતા જાય છે. અમુક બિમારી વખતે અંગને ટ્રાન્સપ્લાન્ટ કરવું પડતું હોય છે. પરંતુ ટ્રાન્સપ્લાન્ટ માટે ડોનર ન મળે તો અંગ ક્યાંથી કાઢવું? માટે અમે પ્રયોગશાળામાં જ આવા સારવાર માટે જરૂરી અંગો વિકસાવી શકાય એ પ્રોજેક્ટ પર કામ કરીએ છીએ. તેના ભાગરૂપે જ આ અખતરો કરવામાં આવ્યો હતો.

આ બે બચ્ચાં કેટલો સમય જીતવાં રહેશે એ ખબર નથી. હજુ તેઓ પાંચ દિવસના થયા છે. કુલ દસ બચ્ચાંને વિજ્ઞાાનીઓ આ રીતે પેદા કર્યા હતા. તેમાંથી આઠના તુરંત મોત થયા હતા. પરંતુ બે બચ્ચાએ પાંચ દિવસ કાઢી નાખ્યા છે. વિજ્ઞાાનીઓ પ્રયોગશળામાં સતત તેના પર નજર રાખી રહ્યાં છે.

આ રીતે કોઈ સજીવો પેદા કરવા એ કુદરતના કામમાં દખલ દેવા જેવી વાત છે. કેમ કે જીવન-મરણ છેવટે તો કુદરતે કરવાનું કામ છે. ઘણા વિજ્ઞાાનીઓ આવા પ્રયોગો અનૈતિક હોવાનો વાંધો ઉઠાવતા રહે છે અને ચીનના પ્રયોગ સામે પણ વાંધો ઉઠાવ્યો છે. પરંતુ ચીને કોઈના નૈતિક-અનૈતિક વિરોધની કોઈ પરવા ક્યારેય કરી નથી.

(1:56 pm IST)