Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ગણતરીના કલાકોમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને તાલિબાન,ચીન,રશિયા સહીત પાકિસ્તાન અને ઈરાન વિશે આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી: તાલિબાને અફઘાનિસ્તાનમાં પોતાની સરકારના મંત્રીમંડળની જાહેરાત કરી દીધી છે. તાલિબાન સરકારની જાહેરાતના ગણતરીના કલાકોમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને તાલિબાન, ચીન, રશિયા, પાકિસ્તાન અને ઈરાન વિશે મોટું નિવેદન આપ્યું છે. બાઈડેને કહ્યું કે તાલિબાનની સાથે ચીનની કેટલીક સમસ્યાઓ છે આથી તેઓ તાલિબાન સાથે કઈક સમજૂતિ કરવાની કોશિશ કરી રહ્યું છે અમેરિકી રાષ્ટ્રપતિને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે શું તેમને એ વાતની ચિંતા છે કે ચીન તાલિબાનને ધન ઉપલબ્ધ કરાવશે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે જેવું પાકિસ્તાન કરે છે, તેવું જ રશિયા કરે છે, અને ઈરાન પણ કરે છે. એ બધા એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે તેમણે હવે શું કરવાનું છે. તો જોઈએ આગળ શું થાય છે. અમેરિકી રાષ્ટ્રપતિનું આ નિવેદન બરાબર એ દિવસે આવ્યું કે જ્યારે તાલિબાને અઠવાડિયા સુધી વિચાર વિમર્શ કરીને અફઘાનિસ્તાનમાં એક નવી વચગાળાની સરકારની જાહેરાત કરી. આ કેબિનેટમાં એક પણ મહિલાને જગ્યા મળી નથી. તાલિબાને મુલ્લા હસન અખુંદને પ્રધાનમંત્રી બનાવ્યા છે. મંત્રીમંડળમાં અમેરિકાના નેતૃત્વવાળા ગઠબંધન અને અફઘાન સરકારના સહયોગીઓ વિરુદ્ધ 20 વર્ષ સુધી ચાલેલી જંગમાં દબદબો રાખનારી તાલિબાનની ટોચની હસ્તીઓને સામેલ કરાયા છે. તાલિબાનના ગત શાસનના અંતિમ વર્ષોમાં અખુંદે વચગાળાના પ્રધાનમંત્રી તરીકે કાબુલમાં તાલિબાનની સરકારનું નેતૃત્વ કર્યું હતું. અમેરિકા સાથે વાર્તાનું નેતૃત્વ કરનારા મુલ્લા ગની બરાદરને ડેપ્યુટી પીએમ બનાવવામાં આવ્યા.

(6:51 pm IST)