Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

બોર્ડર ક્રોસ કરીને આવેલ 200 અફઘાન નાગરિકોને પાકિસ્તાને ફરીથી અફઘાનિસ્તાનમાં ધકેલી દીધા

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ હવે એરપોર્ટ બંધ છે પણ લોકો તાલિબાનના શાસનથી બચવા હવે પગપાળા પણ બોર્ડર ક્રોસ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. આવી રીતે પાકિસ્તાનમાં જઈ ચઢેલા 200 કરતા વધારે અફઘાન નાગરિકોને પાકિસ્તાને ફરી અફઘાનિસ્તાનમાં મોકલી દીધા છે. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. તાલિબાને જ્યારે અફઘાનિસ્તાન પર કબ્જો કર્યો ત્યારે હજારો લોકો દેશ છોડીને ભાગવા માંગતા હતા. મોટી સંખ્યામાં લોકો પાકિસ્તાન બોર્ડર પર પણ પહોંચ્યા હતા. આ પૈકીના કેટલાક લોકોએ સરહદ પરના રેલવે સ્ટેશન પર રાત ગુજારી હતી. કેટલાક અફઘાન નાગરિકો ક્વેટા સુધી પહોંચી ગયા હતા. જોકે પાકિસ્તાની પોલીસે તેમને શોધી કાઢીને કસ્ટડીમાં લીધા હતા. પાકિસ્તાની અખબારના દાવા પ્રમાણે આવા 200 જેટલા અફઘાન નાગરિકોને પાકિસ્તાને પાછા મોકલી દીધા છે. હાલમાં પાકિસ્તાનમાં 30 લાખ અફઘાનો રહે છે.જેમની પાસે પાસપોર્ટ અને વિઝા છે તેમને એન્ટ્રી આપવામાં આવી રહી છે. બીજી તરફ અમેરિકન સેનાએ તાલિબાનના શાસન બાદ હાથ ધરેલા રેસ્ક્યુ ઓપરેશનમાં પણ હજારો અફઘાનોને દેશમાંથી બહાર કાઢ્યા છે.

(6:47 pm IST)