Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

જોરજોરથી હિંચકા ખાતી ભૂતિયા ઢીંગલીએ ઉંઘ ઉડાવી

ઓસ્ટ્રેલિયામાં ઢીંગલીએ આખા શહેરની ઉંઘ ઉડાવી : સ્થાનિક લોકોનું કહેવું છે કે જે પણ વ્યકિતને ઢીંગલીની નજીક જાય છે તેના ખરાબ દિવસોની શરૂઆત થઇ જાય છે

ક્વિન્સલેન્ડ,તા.૮: ઓસ્ટ્રેલિયામાં એક ઢીંગલીએ આખા શહેરની ઊંઘ ઉડાવી દીધી છે. આ ઢીંગલી એક ઝાડ પર હિંચકા ખાતી જોવા મળે છે અને પવનની લહેર સાથે ઝૂલતી રહે છે. સ્થાનિક લોકો આ ઢીંગલીને ભૂતિયા ઢીંગલી માને છે અને તેમનું કહેવું છે કે જે પણ વ્યક્તિ તે ઢીંગલીની નજીક જાય છે તેના ખરાબ દિવસો શરૂ થઈ જાય છે.  આ મામલો નોર્થ ક્વિન્સલેન્ડનો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ઢીંગલી બદનસીબ લઈને આવી છે. તેની આસપાસ કોઈ પસાર થાય તો  તેની અસર તે વ્યક્તિ ઉપર પણ પડે છે. લોકો આ ઢીંગલી વિશે વાત કરવા જ નથી માંગતા. લોકોનું કહેવું છે કે જે તેની નજીક જાય તેમના ખરાબ દિવસો શરૂ થઈ જાય છે.

ડેઈલીમેઈલના રિપોર્ટ મુજબ અહીંના લોકોનું કહેવું છે કે અત્યાર સુધીમાં આ ઢીંગલીને જોયા બાદ અનેક લોકોનો અકસ્માત પણ થયો છે. હિનચિનબ્રુકના સાંસદ નિક ડેમેટ્ટોનું કહેવું છે કે એવું લાગે છે કે અહીં રહેનારી દરેક વ્યક્તિ આ ઢીંગલી વિશે જાણે છે, પરંતુ કોઈ પણ તેના વિશે વાત કરવા માંગતુ નથી.

રિપોર્ટ મુજબ જ્યારે લોકો સાથે આ વાતચીત કરીને આ ઢીંગલી વિશે જાણકારી મેળવવાની કોશિશ કરાઈ તો કોઈ તેના પર વાત કરી નહીં. આ ઢીંગલી ક્યાંથી આવી અને ક્યારે એક પેડની ડાળ પર બનાવેલા હિંચકા પર ઝૂલવા લાગી તે કોઈ કહેતું નથી. શહેરમાં રહેતા એક વેપારીએ કહ્યું કે આ ઢીંગલીને એક પ્રેમી જોડાએ બનાવી હતી જે શહેરમાં કઈંક રંગ ફેલાવવા માંગતા હતા. પરંતુ આ જોડા અંગે કોઈને કશું ખબર નથી. કહેવાય છે કે આ પ્રેમી જોડું હવે તો ગાયબ થઈ ગયું છે અને આ ઢીંગલી તેમની સાથે જોડાયેલી હોઈ શકે છે. જો કે સ્થાનિક પ્રશાસન તેની સચ્ચાઈ જાણવામાં લાગી છે. પરંતુ પ્રશાસન સામે સમસ્યા એ આવી છે કે કોઈ પણ અધિકારી તેની નજીક જવા ઈચ્છતો નથી. આવામાં ઢીંગલી વિશે તપાસ કેવી રીતે થશે તે એક મોટો સવાલ છે.

(3:05 pm IST)