Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

મહિલાઓનું શારિરીક વંશપરંપરાગત બંધારણ એવું છે કે મહિલાઓ સારી રેસીંગ ડ્રાઈવર બની શકે

સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે મહિલાઓ સારી ડ્રાઇવર હોતી નથી પણ એવું વિચારનારા લોકોની બોલતી બંધ કરી દે તેવું સંશોધન અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં થયું છે. ત્રણ મહિલા અને ત્રણ પુરુષ રેસ ડ્રાઇવરો પર કરવામાં આવેલા સંશોધનમાં એવી જાણકારી મળી છે કે રેસમાં કટોકટીના સમયે ઊભી થતી વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવામાં મહિલાઓ પુરુષો કરતાં વધારે સ્માર્ટ છે. આવું એમના આનુવંશિક બંધારણના કારણે થાય છે.

ભારત, બ્રિટન કે અમેરિકા સર્વત્ર એવું જ માનવામાં આવે છે કે જયારે પણ મહિલા કાર ચલાવતી હોય ત્યારે રસ્તા પર તેઓ બીજા ડ્રાઇવરો માટે મુશ્કેલી ઊભી કરે છે. આના કારણે અકસ્માત વખતે તો દ્યણી વાર મહિલા ડ્રાઇવરનો વાંક પણ ના હોય તે છતાં તેમનો વાંક કાઢવામાં આવે છે પણ આવું વિચારનારા લોકો ખરેખર સાચા છે કે નહીં એ જાણવા માટે આ સ્ટડી હાથ ધરવામાં આવ્યો હતો.

સ્ટડીમાં એવું જાણવા મળ્યું છે કે મહિલા અને પુરુષની શારીરિક ક્ષમતામાં કોઈ ફરક નથી. માત્ર મહિલાઓને યોગ્ય રીતે ટ્રેનિંગ આપવામાં આવે તો તેઓ પુરુષો કરતાં સારી ડ્રાઇવરો બની શકે છે કારણ કે આનુવંશિક રીતે તેમના શરીરની રચના પણ એવીજ રીતે થઈ છે. જેમ જેમ મહિલા રેસ ડ્રાઇવરનો અનુભવ વધે એ સાથે તે સારી ડ્રાઇવર બની જાય છે.

આ સ્ટડી માટે કલોઝડ અને ઓપન કોકપિટ એમ બે પ્રકારે પુરુષ અને મહિલા ડ્રાઇવરોમાં રેસ કરવામાં આવી હતી. એમાં જણાયું હતું કે તેમની શારીરિક ક્ષમતા એકસરખી છે. જોકે કટોકટીની ક્ષણો વખતે હાર્ટ અને બ્રિથિંગ રેટની એનાલિસિસ કરવામાં આવી હતી. રેસના ડ્રાઇવરોમાં કટોકટીની ક્ષણે હીટ સ્ટ્રેસ આવે છે. મહિલાઓના શરીરના ગર્ભાશયમાં દર મહિને એક એગ તૈયાર થાય છે જે પુરુષના સ્પર્મના સંપર્કમાં આવે ત્યારે એનું ર્ફિટલાઇઝેશન થાય છે અને નવા જીવનો જન્મ થાય છે. જોકે એગ ગર્ભાશયમાં જ હોય ત્યારે તેને પકડી રાખવા માટે શરીરમાં પ્રોજેસ્ટરોન દ્યણી માત્રામાં પેદા થાય છે. જો ર્ફિટલાઇઝેશન ન થાય તો માસિકસ્ત્રાવની સાથે ગર્ભાશયમાં રહેલું લોહી અને કચરો બહાર આવે છે. આમ એગ તૈયાર થાય ત્યાંથી માસિક સ્ત્રાવ સુધીના સમયગાળામાં મહિલાઓના શરીરનું ઉષ્ણતામાન વધે છે. તેમનું ચીડચીડિયાપણનું પણ અછાનું રહેતું નથી. અને આના કારણે તેમના શરીરમાં ગરમી વધે છે. એવું કહેવામાં આવતું હતું કે માસિકધર્મના કારણે મહિલાઓના શરીરમાં જ ગરમી પેદા થાય છે અને તેથી તેઓ મોટરસ્પોર્ટ્સ જેવી રમતોમાં ભાગ લેવા માટે ઉપયુકત નથી. જોકે સ્ટડીમાં આવું જોવા મળ્યું નહોતું. પુરુષ અને મહિલા ડ્રાઇવરોની શારીરિક ક્ષમતા એક સરખી હતી.

મહિલાઓ ઝડપી નિર્ણય લેવા સક્ષમ

સંશોધકોનું કહેવું છે કે જો મહિલાઓને યોગ્ય ટ્રેનિંગ અને માર્ગદર્શન આપવામાં આવે તો તેઓ સારી રેસ ડ્રાઇવર બની શકે છે. તેના શરીરની રચના પણ એવી છે કે તેઓ ઝડપથી નિર્ણય લેવાની સ્થિતિ ઉદ્બવે તો સારા અને સાચા નિર્ણયો લઈ શકે છે. મહિલા રેસ ડ્રાઇવરો અને પુરુષ ડ્રાઇવરો વિશે કમ્પેરેટિવ સ્ટડી કરવા માટે તેમણે ત્રણ-ત્રણ રેસ ડ્રાઇવરોને પસંદ કર્યા હતા.

(1:20 pm IST)