Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ઇન્ડોનેશિયાના આ પરિવારના સભ્યની જેમ રહે છે મગર

જાકાર્તા તા.૮: ડોગ, બિલાડી,સસલા,કાચબા કે ઉંદર જેવા પ્રાણીઓ પાળનારા લોકો તો ઘણા જોયા હશે, પરંતુ ઇન્ડોનેશિયામાં મુહમ્મદ ઇવાન નામના ૬૧ વર્ષના ભાઇના ઘરમાં એક મગર રહે છે. તેમના પરિવારના એક સભ્યની જેમ જ. ઘરની અંદર એક પાણીની ટાંકી જેવુ બનાવ્યું છે જ્યાં મગર આરામ ફરમાવે છે અને આજુબાજુમાં બનાવેલી પરસાળ પર મગરભાઇ છુટથી ફરે છે. ૧૯૯૭માં મુહમ્મદે જાવાના એક બીચ પર કેટલાંક માછીમાર બાળકોને નવજાત મગરના બચ્ચા સાથે રમતા જોયેલા. ઇવાન એ બેબી મગરને ૨૫૦૦૦ ઇન્ડોનેશિયન રૂપિઆ એટલે કે લગભગ ૧૨૦ રૂપિયામાં ખરીદીને ઘરે લઇ આવ્યો. નામ પાડ્યું કોજેક. એ બાળમગર હવે જાયન્ટ થઇને ૨૦૦ કિલોના કદાવર જાનવર જેવો મોટો થઇ ગયો છે. લગભગ આઠ ફુટથી વધુનું કદ ધરાવતો કોજેક અને પરિવારનાં બેથી દસ વર્ષના બાળકો એક જ પરસાળમાં રમતા હોય છે. ઇવાનનું કહેવું છે કે કોજેક જ્યારે નાનો હતો ત્યારે વધુ ગુસ્સાવાળો હતો અને એક વાર તેણે મને આંગળીએ બચકું પણ ભરી લીધેલુ, પણ એ પછીથી એને તાલીમ આપતા શાંત પડ્યો અને કેળવાઇ ગયો. હવે તો મગરભાઇને માણસોની હાજરી વિના ગમતું નથી. મગરને રોજ ખાવા માટે બેથી પાંચ કિલો માછલીઓ જોઇએ છે. વીકમાં એક વાર એને સાબુ અને બ્રશથી નવડાવવાનું અને બ્રશ કરાવવાનું કામ કરવું પડે છે.(૧.૨૬)

(4:28 pm IST)