Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

દુનિયાના 197 દેશોમાંથી સંગીતકારોએ ધ અર્થ ઓર્કેસ્ટ્રા નામના એક ઓર્કેસ્ટ્રાની રચના કરી

નવી દિલ્હી: વૈશ્વિક એકતાની ભાવના સાથે દુનિયાના તમામ 197 દેશોમાંથી એક-એક એમ 197 સંગીતકારો સાથે આવ્યા અને ધ અર્થ ઓર્કેસ્ટ્રા નામના એક ઓર્કેસ્ટ્રાની રચના કરી. ચોથી ડિસેમ્બરે આ વૈશ્વિક ઓર્કેસ્ટ્રાના પહેલાં ગીત 'ટુગેધર ઇઝ બ્યૂટિફુલ' અને એની સાથે ડોક્યૂમેન્ટરી 'ધ અર્થ ઓર્કેસ્ટ્રા'ને રિલીઝ કરીને મ્યુઝિકની દુનિયામાં ઇતિહાસ રચવામાં આવ્યો હતો. આ ડોક્યુમેન્ટરીને જેમી વોલફેલ્ડ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રોજેક્ટનો ઉદ્દેશ ભૌતિક, સાંસ્કૃતિક અને રાજકીય સીમાઓને ઓળંગીને તમામ સંસ્કૃતિના લોકોને એક કરવાની સંગીતમાં તાકાત હોવાનું રજૂ કરવાનો છે.

            આ પ્રોજેક્ટ માટે ત્રણ વર્ષ પહેલાં વિચાર આવ્યો હતો. આ પ્રોજેક્ટ કેવી રીતે આકાર લીધો એ સમગ્ર પ્રક્રિયા એક ડોક્યૂમેન્ટરીમાં રજૂ કરાઈ છે. ગયા વર્ષે મે મહિનામાં 197માંથી 57 સભ્યો આ સોંગ માટે પાયાની તૈયારીઓ કરવા માટે લંડનના એક સ્ટૂડિયોમાં મળ્યા હતા. બાફ્ટા વિજેતા કમ્પોઝર જ્યોર્જ ફેન્ટન દ્વારા આ પ્રોજેક્ટનું નીરિક્ષણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ અનેક સંગીતકારોએ જ્યોર્જની ધૂન અને થીમમાં સુધારાઓ કર્યા છે. આ ગીત તૈયાર કરવા માટે સંગીતની જુદી-જુદી પદ્ધતિઓને જોડવામાં આવી અને આ સંગીતકારોએ તેમના પોતાના દેશના ઘરેલુ સંગીત સાધનોનો ઉપયોગ કર્યો હતો.

(5:52 pm IST)