Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

પક્ષીઓના કલરવ વચ્ચે નિવાસ પગાર વધારા જેટલો જ જીવન સંતોષ આપે છે

બર્લિન,તા.૭ : વિવિધ પ્રજાતિના પક્ષીઓના કલરવ વચ્ચે નિવાસ પગાર વધારા જેટલો જ જીવન સંતોષ આપે છે તેમ એક અભ્યાસે દાવો કર્યો છે. ભૂતકાળમાં નાના પાયાના ઘણા અભ્યાસો થયા છે તે દર્શાવે છે કે કુદરતનું સાંનિધ્ય વ્યકિતના માનસિક સ્વાસ્થ્ય માટે સારી બાબત છે અને હાલના રોગચાળાએ આઉટડોર્સમાં રસમાં વધારો કર્યો છે. જર્મનીના નિષ્ણાતોએ યુરોપભરના હજારો પુખ્તના કુદરત સાથેના તેમના એકસ્પોઝર સાથે જીવન સંતોષ અંગેના આંકડાનું વિશ્લેષણ કર્યું હતું. તેઓ એવા તારણ પર આવ્યા હતાં કે વ્યકિત જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાં ૧૪ નવી પ્રજાતિના પક્ષીઓની હાજરી તેને વાર્ષિક પગારમાં ૧,૩૪૪ પાઉન્ડના વધારા જેટલો જીવન સંતોષ આપે છે.

સેનકેનબર્ગ બાયોડાઇર્વિસટી એન્ડ કલાઇમેટ રિસર્ચ સેન્ટરના ઇકોલોજિસ્ટ અને મુખ્ય સંશોધનકાર જોએલ મેથોર્સ્ટ કહે છે કે ખાસ કરીને યુરોપિયનોના જીવન સંતોષમાં વધારો ત્યારે થાય છે કે જયારે તેની એકદમ નજીક વધુને વધુ પ્રજાતિના પક્ષીઓ નિવાસ કરતાં હોય. પોતાના અભ્યાસમાં મેથોર્સ્ટ અને તેના સાથીઓએ દરેક વ્યકિતના સ્થાનિક વિસ્તારમાં પક્ષીની પ્રજાતિના વૈવિધ્ય સાથે સમગ્ર યુરોપના ૨૬,૦૦૦ કરતાં વધારે પુખ્તોના જીવનની ગુણવત્ત્।ા પરના આંકડાની સરખામણી કરી હતી.

જોએલ મેથોર્સ્ટના સહકર્મચારી અને બાયોલોજિસ્ટ કેટ્રીન બિનિંગ ખુલાસો કરે છે કે અમે જે લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો તેમના સોશિયો ઇકોનોમિક ડેટાની પણ ચકાસણી કરી હતી. તેણીએ ઉમેર્યું હતું કે અમને આશ્ચર્ય થયું હતું કે, તેમના માટે પક્ષીઓની વિવિધતા પણ તેમની આવક જેટલી જ મહત્ત્વની બાબત છે. વાસ્તવમાં લોકોની સુખાકારી માટે કુદરત પણ મહત્ત્વપૂર્ણ છે. કુદરતની જાળવણી ફકત આપણા જીવનના મટિરિયલ બેઝિઝને જ જાળવતી નથી સાથોસાથ આપણી સુખાકારી માટેનું એક રોકાણ પણ છે.

(11:43 am IST)