Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

કાનમાંથી મેલ કાઢીને ખાઈ ગયા લંડનના ડેપ્યુટી મેયરઃ કેમેરામાં થઈ ગયા કેદ

જૂલિયન બેન્ઝામિન પોતાના વિચિત્ર વર્તનના કારણે ચર્ચાનો વિષય બની ગયા છે

લંડન, તા.૭: બ્રિટનની રાજધાની લંડનના ડેપ્યુટી મેયર જૂલિયન બેન્ઝામિન ગુરૂવારે લંડન એસેમ્બલીની એક ઓનલાઈન મીટિંગ દરમિયાન કાનમાંથી મેલ કાઢીને ખાતા કેમેરામાં કેદ થઈ ગયા છે. લેબર પાર્ટીના સભ્ય જૂલિયને પોતાના ચશ્માની ડાંડીથી કાન ખોતરીને મેલ કાઢયો હતો. બાદમાં તેને ખાઈ ગયા હતા. તેમની આ ઘટના કેમેરામાં આવી ગઈ હતી. તેમના આ વિચિત્ર વ્યવહાર બાદ જૂલિયન ચર્ચાનો વિષય બની ગયા છે.

બ્રિટિશ અખબાર ધ સનના જણાવ્યા પ્રમાણે ઓનલાઈન બેઠક દરમિયાન જૂલિયનના કાનમાં ખણ આવી રહી હતી. પહેલા તેમણે આંગળી વડે કાનની ખણ મીટાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને રાહત મળી ન હતી. ત્યારબાદ તેમણે પોતાના ચશ્મા કાઢ્યા હતા અને તેની ડાંડીને કાનમાં નાખીને રાહત મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

ચશ્માની ડાંડીથી તેમણે પોતાના કાનને ખુજાવ્યો હતો અને તેમાં તેઓ સફળ રહ્યા હતા અને તેમને રાહત મળી હતી. જોકે, ડાંડી દ્વારા કાનમાંથી કાઢેલા મેલને ફેંકી દેવાને બદલે તેઓ તેને ખાઈ ગયા હતા. આ ઘટનાનો વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે તેમને ખ્યાલ ન હતો કે કેમેરા ચાલુ છે અને તેમની આ હરકત બધા જોઈ રહ્યા છે.

આ અંગે જયારે જૂલિયનને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે, મારા કાનમાં સતત ખણ આવી રહી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, આ ઘટના બાદ લંડનના મેયર સાદિક ખાને મીટિંગ પૂરી થયા પહેલા આ અંગે નારાજગી વ્યકત કરી હતી અને ઘટનાના વિડીયોને ઓનલાઈન બ્લોક કરી દીધો હતો. જૂલિયન ૨૦૧૬થી જ સાદિક ખાનના ડેપ્યુટી મેયર છે.

(11:43 am IST)