Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

ભાઈ સાત મહિને પાછા આવ્યા ત્યારે ઘર ઝાડી-ઝાંખરાનો વગડો બની ગયું હતું

બીજીંગ,તા.૬ : ચીનના લેન્હગફાન્ગ શહેરના રહેવાસી એક ભાઈ સાત મહિના બહારગામ રહીને ઘરે પાછા આવ્યા ત્યારે તેમણે જોયું કે આખું ઘર ઝાડી-ઝાંખરાંથી ભરાઈ ગયું છે. કોન્ક્રીટના બાંધકામ પર અનેક પ્રકારના વૃક્ષવેલા વીંટળાઈ વળ્યા હતા અને એમને એ જગ્યા પોતાના ઘરને બદલે બોટનિકલ ગાર્ડન જેવી લાગતી હતી. ચીનમાં કોવિડ-૧૯નો રોગચાળો શરૂ થયો એ પહેલાં બહારગામ ગયેલા આ ભાઈએ પાછા ઘરે આવ્યા બાદ નિવાસસ્થાનનું જે રૂપ નિહાળ્યું એનો રીતસર વિડિયો ઉતારીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. વિડિયોમાં ઘરની અંદર ફોટો, ફર્નિચર અને દીવાલો પર તેમ જ બહારની દીવાલો અને જમીન પર છોડ અને વેલા ઊગી નીકળ્યા હતા અને કયાંક તો ઝાડના થડ બંધાઈ રહ્યા હતા. નામ જાહેર ન કરનારા એ ભાઈના વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે.

વિડિયો પોસ્ટ કરનારે સ્થાનિક સોશ્યલ મીડિયા પ્લેટફોર્મને જણાવ્યું હતું કે  હું વસંતોત્સવ નિમિત્તે મારા વતનના ગામ ગયા પછી કોરોના-સંક્રમણને લીધે લોકડાઉનને કારણે ગામમાં અટકી ગયો હતો. ત્યાર પછી ગયા મહિને દ્યરે પાછો પહોંચયો હતો. એ જ મકાનમાં રહેતા તેમના ભાઈને ઘરની એકસ્ટ્રા ચાવી આપી રાખી હતી. મેં મારા ભાઈને કહી રાખ્યું હતું કે એ અવારનવાર ઘર ખોલીને નજર રાખે, સફાઈ કરાવે અને બગીચાના છોડ અને વૃક્ષવેલાને પાણી પીવડાવે, પરંતુ મારો ભાઈ બગીચાના છોડ કે વેલાને પાણી પિવડાવવાની વાતનો આટલી ગંભીરતાથી અમલ કરશે એનો મને અંદાજ નહોતો.

(3:14 pm IST)