Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

લાડો-લાડી સમયસર પધારશે તો તેમને મળશે રોકડ ઇનામ

લંડન તા. ૬: આપણે ત્યાં લગ્નના સત્કાર-સમારંભમાં લાડો-લાડી મોડાં આવે એ બહુ રૂટીન ઘટના છે અને તેઓ મોડાં આવે તોય કંઇ કહી ન શકાય. માત્ર ભારતમાં જ આવું નથી. વિદેશમાં પણ આ પ્રોબ્લેમ છે. ત્યાં વરરાજા-કન્યા ચર્ચમાં મોડાં આવે છે. એને લીધે બ્રિટનના પાદરી કેનન જોહન કોર્બનિ લાડો-લાડી સમયસર પધારે તો તેમને ઇનામ આપવાની જાહેરાત કરી છે. આ ખ્રિસ્તી પાદરી તેમને ૮પ૦૦ રૂપિયાનું ઇનામ આપશે. આ પાદરીએ ઇનામની સાથે-સાથે થોડી છુટ પણ આપી છે. લગ્ન કરનાર જોડીને દસ મિનિટ મોડા આવવાની છૂટ છે. એટલે કે તેઓ દસ મિનિટ મોડા આવે તોય તેઓ ઇનામના હકકદાર રહેશે. આ પાદરીનું કહેવું છે કે 'દુઃખની વાત એ છે કે મોડું આવતું યુગલ કયારે દિલસોજી દાખવતું નથી હોતું. વાસ્તવમાં તેઓ મોડા આવે એની અસર ડેકોરેશનવાળા, કેટરિંગવાળા, ચર્ચમાં બેલ વગાડનારા અને મહેમાનો પર પણ થતી હોય છે. હું મારા સ્ટાફનો બહુ ખ્યાલ રાખું છું. તેઓ માત્ર પૈસા માટે જ કામ નથી કરતા હોતા અને એટલે જ હું યુગલોની મોડા આવવાની આદત નાપસંદ કરૃં છું. એવું પણ નથી કે બધાં જ યુગલો મોડાં આવતાં હોય છે, પણ મોડા આવનારને તેમની ભૂલની જાણ હોવી જ જોઇએ'  કમનસીબીની વાત એ છે કે પાદરીએ જાહેર કરેલું ઇનામ હજી કોઇએ જીત્યું નથી. ભારતમાં આવા ઇનામની કોઇ જાહેરાત કયારે થશે અને કોણ કરશે? (૭.૪૭)

(4:19 pm IST)