Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

નવજાત શિશુ સ્ટ્રેસમાં હોય તો રડે કે ચહેરા પર પીડા બતાવે એ જરૂરી નથી

લંડન તા. પ :.. સામાન્ય રીતે વ્યકિત સ્ટ્રેસમાં હોય તો એ તેના ચહેરા કે બિહેવિયરમાં દેખાઇ આવે. જો કે બાળક સ્ટ્રેસ કે પીડામાં છે એવું તેના બિહેવિયરમાં જોવા જઇએ તો ખોટા પડાય. યુનિવર્સિટી કોલેજ લંડનના ન્યુરોલોજીના નિષ્ણાતોનું કહેવું છે કે નવજાત શિશુ તેની આસપાસના વાતાવરણને કારણે અથવા તો શારીરિક પીડાને કારણે સ્ટ્રેસમાં હોય તો હંમેશાં તે રડતું જ હોય એ જરૂરી નથી. તેના ચહેરા પર પીડાના ભાવ આવે એ પણ જરૂરી નથી.

અભ્યાસકર્તાઓએ નવજાત શિશુઓના મગજનું સ્કેનિંગ કરીને તારવ્યું છેકે સ્ટ્રેસને કારણે પીડાની સંવેદના ધરાવતા મગજમાં ખૂબ બધી એકિટવીટી થતી હોય એમ છતાં બાળકનું બિહેવિયર સ્ટ્રેસ દર્શાવતું ન હોય એવું બની શકે છે. નવજાત શિશુ તેમને થતી ડીસકમ્ફર્ટને અભિવ્યકત નથી કરી શકતું, પરંતુ તેના મગજમાં પીડાની સંવેદનાઓ ખૂબ તીવ્ર થઇ જાય છે. આ જ કારણોસર નવું જન્મેલું બાળક રડે કે પીડાના ભાવ બતાવે તો જ તે કમ્ફર્ટેબલ નથી એવું ધારી લેવું ન જોઇએ. સ્ટ્રેસમાં હોય એ બાળકની પ્લેફુલ એકિટવિટી ઘટી જાય છે. તેની  બોડી-મુવમેન્ટ ઘટી જાય છે અને તે ગંભીર અથવા નીરસ થઇને પડયું રહે છે.

(11:31 am IST)