Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ટીચરે નર્સરીના બાળકોનો કલાસરૂમ પોતાના ખર્ચે હેલો કિટી થીમથી સજાવ્યો

જાર્કાતા તા.૫: ફિલિપીન્સના મસ્બાત શહેરની એક પ્રાઇમરી સ્કૂલની ટીચર છેલ્લાં ત્રણ વર્ષથી પોતાના કલાસરૂમને હેલો કિટી થીમથી સજાવવામાં વ્યસ્ત છે. તેની નર્સરીનો આ રૂમ છોકરીઓ માટે પરીઓના કાલ્પનિક વિશ્વ સમો થઇ ગયો છે. સેમલિન લેફયુન્ટ નામની આ યંગ ટીચરે હેલો કિટીનું મ્યુઝિયમ હોય એમ ચોતરફ પિન્ક રંગની થીમથી કલાસરૂમ સજાવ્યો છે. ફલોર પર હેલો કિટી થીમવાળી કાર્પેટ છે. દિવાલો પિન્ક રંગની છે અને એની પર પતંગિયાં પણ પરીઓના વિશ્વને તાદ્રશ કરે એવાં છે. સ્ટુડન્ટ્સની બેસવાની ડેસ્ક પિન્ક રંગની છે અને એના  પર પણ હેલો કિટીનાં સ્ટિકર્સ છે. સેમલિનનું કહેવું છે કે તેના કલાસમાં ભણતાં ભૂલકાઓને સ્કૂલમાં આવવું એટલું ગમે છે કે સ્કૂલ પૂરી થયા પછી બાળકોને તેમના ઘરે જવાનુ કઠે છે. તેની સ્કૂલમાં ભણતી છોકરીની મમ્મીએ આ કલાસરૂમની તસવીરો તેના ફેસબુક-અકાઉન્ટ પર શેર કરી છે જે એશિયન દેશોમાં ખૂબ વાઇરલ થઇ છે. નવાઇની વાત એ છે કે સેમલિનને તેના કલાસરૂમને સજાવવા માટે બધો જ ખર્ચ જાતે કર્યો છે. છેલ્લાં ત્રણ વર્ષથી આ રૂમને હેલો કિટી થીમવાળો તૈયાર કરવામાં જ પોતાની બચત ખર્ચી રહી છે. તેનું કહેવું છે કે બચ્ચા પાર્ટીને આ લાઇવ વાતાવરણમાં જે ખુશી મળે છે એ જોઇને તેને આવું કરવાની પ્રેરણા મળી હતી.(૧.૭)

(3:52 pm IST)