Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

ન્યુઝીલેન્ડની કંપની માત્ર ચોરને જ કરી નોકરીની ઓફર

સજા આપવાના બદલે નોકરી

ઓકલેન્ડ તા. ૫ : જયારે પણ કોઈ ચોરી કરે છે ત્યારે વ્યકિત ઈચ્છે છે કે તે ચોર પકડાઈ જાય અને તેને સજા મળે પરંતુ એક કંપની એવી પણ છે. જે ચોરને સજા આપવા નથી ઈચ્છતી. ન્યૂઝીલેન્ડની કંપની ચોરને સજા આપવાના બદલે તેને નોકરી પર રાખવા ઈચ્છે છે. આ કંપનીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ વાતની જાણકારી આપી છે.

કંપનીએ ચોરોમાં રહેલા ગુણ જણાવતાં લખ્યું છે કે તેઓ ઈચ્છે તો કંપનીમાં નોકરી કરી શકે છે. આ કંપનીએ પોસ્ટ સાથે કેટલીક તસવીરો પણ શેર કરી છે. કંપનીએ લખ્યું છે કે, '૨૪ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ આ તસવીરમાં જોવા મળતા વ્યકિતએ જીન્સ રોડ, હેયરવુડ, ક્રાઈસ્ટ ચર્ચ સ્થિત અમારા સ્ટોર પરથી પાવર ટૂલ્સ સહિત કેટલીક વસ્તુઓ ચોરી છે.' તસવીરની સાથે કંપનીએ 'ચોર માટે ખાસ' સંદેશો પણ આપ્યો છે.

કંપનીએ ચોર માટે ખાસ સંદેશો આપતા લખ્યું હતું કે, 'અમને લાગે છે કે તમે અમારી કંપનીમાં નોકરી કરવાનું પસંદ કરશો. જીવન પસાર કરવા માટે તમે ચોરીની જગ્યાએ અન્ય કામ કરીને રૂપિયા કમાઓ. તમને જોઇને લાગે છે કે તમારી અંદર સારા ગુણ છે. જે અમારા કામમાં આવી શકે છે. પહેલું, તમને સવારે વહેલા ઉઠવામાં અને રાત સુધી જાગવામાં કોઇ જ પ્રકારની મુશ્કેલી નહીં થાય.'

કંપનીએ ચોરની ખાસિયતો જણાવતા લખ્યું હતું કે, 'બીજું, તમને જોઇને એવું લાગે છે કે તમે તમારા પાવર ટૂલ્સ વિશે ઉત્ત્।મ રીતે જાણતા હશો. ત્રીજુ, અમારા યાર્ડની આસપાસનો રસ્તો તમને સારી રીતે ખબર હશે. ચોથું, કામ પર પહોંચવા માટે તમારી પાસે વાહનની પણ સુવિધા હશે (એક મહિના પહેલા જ અમારે ત્યાંથી એક નવી ૨૦૧૭ના મોડલની કારની ચોરી થઈ હતી. શું તમે એજ લોકો હતાં?)'

આ ઉપરાંત કંપનીએ ચોરના પાર્ટનરને પણ કંપનીમાં કામ કરવા માટેનો ઉલ્લેખ કરતાં લખ્યું હતું કે, 'તમારા સાથી સાથેના સંબંધો પણ સારા હશે કારણકે આ તસવીરોમાં અમે તમારા પાર્ટનરને પણ જોઇ શકીએ છીએ. મહેરબાની કરી તેને પણ આ નોકરી માટે એપ્લાય કરવાનું કહેજો. અમારા ધ્યાનમાં આવ્યું છે કે તેણે માસ્ક પહેરેલો છે. જેથી એવું લાગે છે કે એ તમારા કરતા વધારે જ્ઞાની હશે.'

જો તમે વિચારી રહ્યાં છો કે કંપનીએ ચોરને પકડવા માટે આવું કર્યું છે તો તમે ખોટું વિચારી રહ્યાં છો. એક વેબસાઈટ અનુસાર કંપનીના માલિક ટિમ સ્મિથે જણાવ્યું કે જો ચોર ઈચ્છે તો તેની કંપનીમાં કામ માટે આવી શકે છે. આ કંપનીમાં પહેલાથી જ કેટલાક ભૂતપૂર્વ કેદી કામ કરી રહ્યાં છે. કંપનીએ ચોર વિશે જાણકારી આપનારને ઈનામની પણ જાહેરાત કરી છે.(૨૧.૧૦)

(11:34 am IST)