Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

એક મહિનો ફેસબુક છોડવાથી ખુશીમાં વધારો સામાન્ય જ્ઞાનમાં ઘટાડો થઇ શકેઃ રિસર્ચ

રિપોર્ટ મુજબ જે લોકોએ એક મહિનો ફેસબુક યુઝ ન કર્યુ તેમનો રાજકારણમાં રસ પણ ઘટયો

વોશિંગ્ટન તા. પ :.. ફેસબુકને થોડા સમય માટે છોડવું યુઝર્સની માનસીક હાલત માટે બહેતર સાબીત થઇ શકે છે. ન્યુયોર્ક અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચરે તાજેતરમાં ફેસબુધનો ઉપયોગ કરનાર કેટલાક લોકો પર એક અભ્યાસ કર્યો, તેમાં સામે આવ્યું કે જે લોકોએ એક મહિનો કે તેથી વધારે સમય માટે ફેસબુક છોડયું તેના ભાવનાત્મક વલણમાં ખૂબ જ ફેરફારો થયા. આ ફેરફારો સકારાત્મક હતાં. લાંબા સમય માટે ફેસબુક છોડવાના કારણે  ઘણા લોકોના સામાન્ય જ્ઞાનમાં ઘટાડો પણ થયો.

રિપોર્ટ મુજબ ફેસબુકનો ઉપયોગ બંધ કર્યા બાદ યુઝર્સે બીજી સોશિયલ મીડિયા વેબસાઇટ પર જવાનું પણ બંધ કરી દીધું. આ ઉપરાંત તેમનો રાજકીય ઝૂકાવ પણ કોઇના તરફ ન રહ્યો. સોશિયલ મીડિયા પર હાજરી ઓછી હોવાના કારણે સમાચારો અંગે તેમની જાણકારી અને સમજમાં પણ ઘટાડો થયો. અભ્યાસમાં સામે આવ્યું કે ફેસબુકનો ઉપયોગ બંધ કર્યા બાદ યુઝર્સે પોતાના પરિવારને વધુ સમય આપવાનું શરૂ કર્યું. અભ્યાસનો સમય ખતમ થયા બાદ મોટા ભાગના લોકોએ ફેસબુક એકાઉન્ટ ફરી એકિટવેટ કરી લીધું. ન્યુયોર્ક યુનિવર્સિટીના પ્રોફેસર અને આ રિસર્ચ સાથે જોડાયેલા હન્ટ એલ્કોટે જણાવ્યું કે ફેસબુક બંધ કરવાના ફાયદા છતાં ઘણા યુઝર્સે તેનો ફરી વખત ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું. ફેસબુક છોડયા બાદ પણ લોકોની આ લત ન છૂટી.

એલ્કોટના જણાવ્યા મુજબ જો ફેસબુક હેરોઇન હોત તો કદાચ લોકો તેને છોડત, પરંતુ તેમને ફેસબુકનું કોઇ નુકસાન દેખાતું નથી.

યુઝર્સને સંપૂર્ણ સોશિયલ મીડિયા લાગે છે. ફેસબુક

આ અભ્યાસમાં જે મહત્વની વાત સામે આવી તે એ હતી કે યુઝર્સને ફેસબુક એક સંપૂર્ણ સોશિયલ મીડીયા લાગે છે. એક એવી જગ્યા જયાં લોકોને સામાજિક હોવાની સાથે સાથે મનોરંજનનો મોકો પણ મળે છે. એલ્કોટના જણાવ્યા મુજબ આ અભ્યાસ મહત્વનો રહ્યો, કેમ કે, ફેસબુક પર આ અત્યાર સુધીનો સૌથી અલગ અભ્યાસ હતો. ગઇ વખતે મોટા ભાગના અભ્યાસ માત્ર કોઇ એક બાજુ અંગે લોકોને જણાવતા હતાં. (પ-૩૪)

 

(4:00 pm IST)